રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા કોરોના વાયરસ અંગે લેવામાં આવેલ પગલાઓ/કામગીરીનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પસ અને નોંધણી સરનિરિક્ષક ગાંધીનગર દિનેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોવિડ-૧૯ અન્વયે રિવ્યું બેઠક યોજાઈ હતી.તેઓએ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને સાવચેત રાખવા માટે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના એક્ટિવ દર્દીઓ, ડિસ્ચાર્જ દર્દીઓ અને મૂત્યું પામેલા દર્દીઓની વિગત ગાંધીનગર ઉચ્ચકક્ષાએ અને જિલ્લાકક્ષાએ કોઈ પણ પ્રકારની વિસંગતતા વગરની સચોટ આકડાકિય માહિતી મોકલી આપવી. જિલ્લામા ક્યા સ્થળેથી કોરોના વાયરસના દર્દીઓ વધુ આવે છે તે વિસ્તાર શોધી તપાસ કરવી. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૧૦૦ ટકા લોકોનું સ્ક્રેનીંગ કરવુ. સંક્રમિત વિસ્તારમાં ધનવંતરી રથના માધ્યમથી વધુ મા વધુ લોકોના આરોગ્યની તપાસ કરવી. કોરોના વાયરસથી વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે જરૂરી પગલા લેવા કહ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આવતા ૧૫ દિવસની અંદર કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા અને આરોગ્ય વિભાગને પુરતા પ્રમાણમાં પ્રયાસો કરવા કહ્યું હતું. આરોગ્ય વિભાગ અને કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલ વેરાવળની કોઈપણ જરૂરિયાત અને જરૂરી સામગ્રીની ખરીદી માટે તેઓશ્રીએ હકારાત્મક અભિગમ આપ્યો હતો. આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચેતન મહેતાએ પાવર પ્રેઝેન્ટેશન દ્રારા કોવિડ-૧૯ની અંગેની માહિતી આપી હતી. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ, એક્ટિવ દર્દીઓ, ડિસ્ચાર્જ કરેલા દર્દીઓ અને મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા અને કોરોના વાયરસના દર્દીઓની કઈ રીતે સારવાર થાય છે, સંક્રમિત વિસ્તારની તપાસ અને કોરોના વાયરસના સંક્રમણની બચવા માટેના પ્રયાસો સહિત અનેકવિધ વિગતો આપી હતી. આ પ્રસંગે કલેકટર અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, અધિક કલેકટર પ્રજાપતિ, ડો.બામરોટીયા, આર.એમ.ઓ.ડો.જે.એસ.પાધરેસા અને આરોગ્ય વિભાગના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.