રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
દરબાર રોડ પર આવેલા જૈન દેહરાસર સામેજ ઘણા દિવસોથી પડેલો કચરો કોઈ લેવા તૈયાર નથી..?!: જૈન સમાજના લોકો તેમજ સ્થાનિક રહીશોમાં પાલીકાની કામગીરી બાબતે રોષ
ઘણા વર્ષો બાદ રાજપીપળા શહેરને કચરા પેટીમાંથી મુક્ત કરનારા પાલીકાના મુખ્ય અધિકારી જયેશ પટેલે કરેલી આ કામગીરીના ઘણા વખાણ થયા હતા પરંતુ ગણતરીના દિવસોમાં ઘણી જગ્યાઓ પર નિયમિત સફાઈ ન થતા કચરા પેટી વિના કચરાના ઢગ જોવા મળતા સ્થાનિક રહીશોને ચોમાસાની ઋતુ અને કોરોનાના હાઉ વચ્ચે બીમારીમાં સપડાઈ તેવો ડર સતાવી રહ્યો છે. જો ધાર્મિક સ્થળો પાસે જ ગંદકી કે કચરાના ઢગલા જોવા મળે તો શહેરના અન્ય વિસ્તારોમાં કેવી સફાઈ થતી હશે તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ઉઠ્યો છે.
વેરો વધારવા ઉતાવળા બનેલા પાલીકા સત્તાધીશો તેમજ કેટલાક સદસ્યો પ્રજા ને પાણી,સફાઈ જેવી પાયાની સુવિધા યોગ્ય રીતે મળે એ બાબતે યોગ્ય તકેદારી રાખે અને રાજપીપળા શહેર માં કોરોના ની સાથે સાથે અન્ય કોઈ મોટો રોગચાળો ન વકરે તે દિશા માં પગલાં લે તેવી માંગ ઉઠી છે. કેટલાક સદસ્યો ના ફળીયા માં પણ આવી તકલીફો જોવા મળતી હતી પરંતુ જે તે સમયે સદસ્યો ના મતે મુખ્ય અધિકારી સભ્યો નું પણ સાંભળતા નથી.ઉપર થી ઘણો સ્ટાફ ઓછો કરી દેતા હાલ સફાઈ સહિત અનેક બાબતે પાલીકા તંત્ર ની કામગીરી નિષ્ફળ જતી જોવા મળે છે.તેવા સંજોગો માં નર્મદા કલેક્ટર પણ જો મૌન સેવી બેઠા હોય તો ફરિયાદ કોને કરવી..?? તેવી બુમ ઉઠી હતી માટે જિલ્લા કલેક્ટર આવી બાબત ગંભીરતા થી લઈ યોગ્ય પગલાં લે તેવી લોક માંગ ઉઠી છે.