રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામમાં શિવજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. પાનમ અને ચંદ્રોઈ નદીના કિનારે આ મંદિર આવેલું હોવાથી પાનેમેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. વડવાવો ના કહેવા મુજબ અગાઉના સમયમાં મંદિર ની આસપાસ ખોદકામ દરમિયાન જે તે સમયના પૌરાણિક અવશેષોમાં જેવા કે ચોરસ ઈંટો,ચાંદીના સિક્કા,ત્રાંબાના સિક્કા વગેરે મળતા હતા. હાલ ના સમયમાં મંદિર ની આસપાસ સીલાઓ અને તેના ઉપરની કલાત્મક કોતર કામની છબીઓ જોવા મળે છે. જેથી આ મંદિર અતિ પૌરાણિક ૧૫૦૦ વર્ષ પહેલાનું હોઈ તેવુ માનવામાં આવી રહ્યું છે. મહાશિવરાત્રી ના દિવસે આ ભોલેનાથના મંદિરે ભવ્ય મેળો પણ ભરાય છે અને તે દિવસે રુદ્ર હવન તેમજ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવે છે. આ મેળામાં આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ પાનેમેશ્વર મહાદેવ મંદિર અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે ભથવાડા ટોલનાકાથી આશરે ૫ કિલોમીટર અંદર ચંદ્રોઈ અને પાનમ નદીના સંગમ સ્થાને નદીના તટ ઉપર આવેલું છે.