રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે ભક્તોને માસ્ક પહેરીને જ મંદિર પ્રવેશની સુચના અપાઈ
હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવતા શ્રાવણ મહિનાનું શિવ ભક્તિ માટે અનેરૂ મહત્વ છે.રાજપીપળા શહેર સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં શ્રાવણ મહિનાના પહેલા દિવસે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા ભાવિક ભક્તો શિવજીના દર્શનનો લાભ લેવા દર્શન માટે આવ્યા હતા.વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે રાજપીપળાના રાજરાજેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં શ્રાવણ મહિનાના પહેલા દિવસથી શિવ ભક્તોને માસ્ક પહેરીને જ મંદિરમાં પ્રવેશ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત દર્શનાર્થીઓને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારના આદેશોનું પાલન કરવા તથા સ્વબચાવ માટે નિયમોનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યુ હતુ. કોરોના વાયરસથી મહાદેવ મુક્તિ આપાવશે તેવા ભાવ સાથે હર હર મહાદેવના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યાં હતા. આમ રાજપીપળા ખાતે પવિત્ર શ્રાવણ મહિના દરમ્યાન હજારો ભક્તો શિવ ભક્તિમાં લીન બનશે.