રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના તાલુકાનાં ધોકડવા જતા રોડ ઉપર કંસારી ગામે રોડ ટચ ચામુંડા માતાજીનું મંદિર આવેલ છે. મંદિરની દિવાલને અડીને સરકારે વરસો પહેલા ટોકન ભાવે ધાર્મિક હેતુ માટે જમીન ફાળવી હતી. જેની હાલ બજાર કિંમત કરોડો રૂપિયા થાય છે. આ મંદિરના ટ્રસ્ટીઓએ ઠરાવ કરી કરોડો રૂપિયાની જમીન મામકાવાદ કરી પોતાના મળતીયાનોને ફાળવી દીધેલ અને તેમાં પ્લોટીંગ પાડી સરકારી જવાબદાર વિભાગોની અને સ્થાનીક ગ્રામ પંચાયતની પૂર્વ મંજુરી લીધા વગર ત્થા સુચીત નેશનલ હાઈવે રોડ પહોળાઈની જમીન ઉપર બાંધકામ કરી દુકાનો બનાવી વેચી નાખી રોકડા કરોડો રૂપિયા ભેગા કરી લીધા હતા. હેતુ ફેર પણ કરેલ ન હોય તેથી આર.ટી.આઈ. એકટીવીસ્ટ એસો.ના પ્રમુખ ભીખુભાઈ જેઠવા (બાટાવાળા)એ મુખ્યમંત્રી, ચેરીટી કમીશ્નર જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી, કલેકટરને લેખીતમાં રજુઆત કરાતા ઉના તાલુકા વિકાસ અધિકારીએ તા.૨૯/૬ નાં કંસારી ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીને લેખીતમાં આ બનાવની તટસ્થ તપાસ કરી અને તુરંત જાણ કરવા જણાવેલ છે. તેથી તપાસનો ધમધમાટ શરૂ થતા આ ગે.કા.બાંધેલ દુકાનો ખરીદનારમાં ફફડાટ સાથે ગભરાટ ફેલાયો છે.