રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
રૂ.૪૫.૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ વિકાસના કામો ખુલ્લા મુકાયા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા સોમનાથ ખાતે તૈયાર થયેલ યાત્રી સુવિધા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરી પ્રવાસી માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ભારત સરકાર દ્રારા પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ ખાતે રૂા.૪૫.૩૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ જુદા-જુદા વિકાસ કામોનું લોકાર્પણ સંપન્ન કરાયું છે.
મુખ્યમંત્ર વિજયભાઈ રૂપાણીએ આજે રાજ્યભરમાં ટુરીઝમ વિકાસના કામો રૂા.૧૨૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ જુદા-જુદા વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ ગુજરાતમાં વિકાસની રફતાર અવિરત કાર્યરત છે. આપત્તિને અવસરમા પલટાવી જુદા-જુદા વિકાસના કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ માટે વધુ એક સુવિધાનું લોકાર્પણ કરી યાત્રી સુવિધા વધારો કરાયો છે.
સોમનાથ ખાતે ટુરિસ્ટ ફેસેલીટેશન સેન્ટર, ટોઈલેટ-બાથરૂમ અને કલોક રૂમ, ફ્રી પીકઅપ/ડ્રોપ બસ સેન્ટર, સોલાર પાર્કિંગ, વેઈટીંગ રૂમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પબ્લિક એડ્રેસ સીસ્ટમ, લાઈબ્રેરી, સતસંગ હોલ, શોવેનીયર શોપ અને પ્રવાસી માહિતી કેન્દ્ર સહિતની સવલતનો પ્રવાસીઓને નિશૂલ્ક લાભ મળશે. ઉપરાંત ૫૦૦ ટુ વ્હિલર, ૭૫૬ કાર અને ૮૧ બસની મર્યાદા ધરાવતુ વિશાળ પાર્કિંગ, કોમ્યુનીટી કિચન, સોમનાથ મ્યુઝિયમ, ઓડીટોરીયમ અને કેફેટેરીયા સહિતની સુવિધા ચાર્જેબલ રહેશે તેમ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું. સોમનાથ યાત્રી સુવિધા કેન્દ્ર સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ રિબીન કાપી ખુલ્લું મુક્યું હતું. આ પ્રસંગે રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, પુર્વમંત્રી જશાભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલોંધરા, નગરપાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, ડાયાભાઈ જાલોંધરા, કલેકટર અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિતના સહભાગી થયા હતા.