સુરત થી પોતાના વતન તરફ જતા ગરીબ પરિવારો
વાહન વ્યવહાર ઠપ થતા ચાલતા રવાના
કોરોના વાયરસને કારણે આખો દેશ લોકડાઉન થયા બાદ સુરત જિલ્લામાં આવેલા મજૂરોના કામ બંધ હોવાથી પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. જિલ્લાના વિવિધ જગ્યાઓ પર ચાલતી કન્સ્ટ્રકશન સાઈડ બંધ હોવાથી દાહોદ ગોધરા તરફથી આવેલા મજૂરો પાછા પોતાના ઘરે જઈ રહ્યાં છે. પંરતુ હાલ ટ્રાન્સ્પોટેશનના તમામ સાધનો બંધ રહેવાના કારણે પોતાના વતન જવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આવા મજૂરો પગપાળા ગામ તરફ પગ માંડી રહ્યાં છે. જેઓની મદદે પોલીસ અને સેવાભાવી સંસ્થાઓના લોકો આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરાતા જ મજુર વર્ગ પોતાનાં વતન તરફ હિજરત કરવા લાગ્યો છે. કામરેજથી અમદાવાદ જતા હાઇવે ઉપર મજુરોની લાઇનો લાગતા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા પાણી નાસ્તો અને માસ્કનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.
શહેર અને જિલ્લામાં બહાર ગામથી મજૂરી કામ માટે આવેલો મોટો મજુર વર્ગ કફોડી હાલતમાં મુકાઇ ગયો હતો. વતનથી દુર દરરોજ મજુરી કામ કરી પેટીયું રળતા લોકોનો 22 માર્ચથી કામ ધંધો બંધ છે. હવે 21 દિવસ લંબાતા બેરોજગાર બનેલાઓ માટે ઘર ખર્ચ અને જમવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.
હીરાનાં કારખાનામાં કામ કરતા મજુરો સાથે વાતચીત કરતા તેમણે જણાવયું હતું કે, તેમના કારખાના બંધ થઈ ગયા છે. પગાર બાકી છે પાસે પૈસા નથી હોટલો રેસ્ટોરન્ટ બંધ છે. જમવાની સગવડ નથી. બહાર નીકળી શકાતું નથી આવા સંજોગોમાં વતન ભેગા થઇ જવું એજ ઉચિત છે.
સુરત શહેર અને જિલ્લામાં દાહોદ ગોધરા સૌરાષ્ટ્ અને રાજસ્થાન તરફથી મજુરીકામ માટે આવેલા લોકો નાના બાળકો, પરિવાર સાથે હાઇ વે પર અવિરત ધસારો જોવા મળ્યો હતો. હાલ એસટી બસો બંધ હોય હાઈ-વે પર જે કંઇ પણ વાહન મળે તેનાં દ્વારા વતન જવા તત્પર બન્યા હતા. જોકે, કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને પોલીસ દ્વારા ચા – પાણી નાસ્તો ખીચડી માસ્ક સેનીટાઇરેઝન વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.