અડાજણ વિસ્તારમાં સરસ્વતી સ્કુલ નજીક એસએમસી આવાસમાં કોરોના વાયરસને કારણે બંધ કરવામાં આવેલો ગેટ ખોલવાના મુદ્દે થયેલા ઝઘડામાં માતા-પુત્ર પર ચપ્પુ વડે હુમલો કરી પુત્રને ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
જીવલેણ કોરોના વાયરસને કારણે સરકાર દ્વારા લોક્ડાઉન કરવામાં આવતા અડાજણ સ્થિત સરસ્વતી સ્કુલ નજીક મંથન રો હાઉસની સામે આવેલા એસએમસી આવાસમાં બહારની વ્યક્તિઓ અને આવાસમાં રહેનારા લોકોને બહાર આવવા-જવા માટે મેઇન ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ ગત રાત્રે 8.30 વાગ્યાના અરસામાં આવાસમાં રહેતા નથ્થુ રામાભાઇ સુર્યવંશી (ઉ.વ. 43) અને આવાસના અન્ય રહેવાસીઓ વચ્ચે મેઇન ગેટ ખોલવા બાબતે ઝઘડો થયો હતો.
આ દરમ્યાનમાં આવાસમાં જ રહેતા અજય સુરેશ શિંદે, સુરેશ શિંદે, શીવરામ રાવન શિંદે અને ગનુ અંકુશ ઘોત્રે આવાસના મેઇન ગેટ પાસે ઘસી આવ્યા હતા. જયાં અજય અને તેના પિતા સુરેશે નથ્થુ સુર્યવંશી સાથે ઝઘડો કર્યો હતો.
ઉપરાંત નથ્થુના પુત્ર રાજુ પર ચપ્પુ વડે હુમલો કરી માથા અને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી અને નથ્થુની માતાને લાક્ડાના ફટકા વડે માર માર્યો હતો તથા પથ્થર મારો કરતા નથ્થુની પત્નીને પણ ઇજા થઇ હતી.
ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને અડાજણ પોલીસ દોડી આવી હતી. પોલીસે અજય અને સુરેશ સહિત ચાર વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્ત તમામને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.