કોરોનાના વધતાં કેરને પગલે હવે અમદાવાદીઓમાં લોકડાઉન દરમિયાન લોકજાગૃતિના દર્શન જોવા મળી રહ્યાં છે. હવે શહેરની સોસાયટી-ફલેટમાં મહેમાનો પર પ્રતિબંધ મૂકાયો છે.એટલુ જ નહીં, ફેરિયા-લારીવાળાઓ માટે ય પ્રવેશ બંધ કરાયો છે. સોસાયટી-ફલેટના ચેરમેનોએ સભ્યોને કડક તાકીદ કરાઇ છેકે,જો નિયમોનો ભંગ કરાશે તો દંડ લેવાશે.આમ,હગે કોરોના વધશે તેવી દહેશતને પગલે લોકો જ જાગૃત થઇ રહ્યાં છે.
અમેરિકા,ઇરાન,ઇટલી સહિતના દેશોમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે.ગુજરાતમાં ય કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યાં છે.કોરોનાના સંક્રમણને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ અઠવાડિયા સુધી ઘરમાં જ રહેવા દેશવાસીઓને અપીલ કરી છે ત્યારે અમદાવાદ શહેરમાં તો કેટલાંય વિસ્તારોમાં લોકોની જાગૃતતા નજરે પડી છે.
પશ્ચિમ વિસ્તારના કેટલાંય ફલેટ-સોસાયટીમાં તો બોર્ડ લાગ્યાં છેકે, બહારની વ્યક્તિએ સોસાયટી-ફલેટમાં આવવું નહીં. ફલેટ-સોસાયટીના રહીશોને ય અત્યારની સ્થિતીને જોતાં મહેમાનો-બહારની વ્યક્તિને ન બોલાવવા કડક તાકીદ કરાવાઇ છે.
શાકભાજીથી માંડીને વિવિધ ચીજવસ્તુઓ લઇને આવતાં ફેરિયાઓને ય હવે પ્રવેશ અપાતો નથી. એટલુ જ નહીં, સોસાયટી-ફલેટના રહીશોને ય સવાર અને સાંજ સિવાયના સમયે ઘરની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. સોસાયટી-ફલેટના દરવાજે સિક્યુરિટી ગાર્ડ જ રહીશોને સેનેટાઇઝર્સ લગાવ્યા બાદ પ્રવેશ આપી રહ્યાં છે.બહાર જતાં રહીશોને માસ્ક પણ આપી રહ્યાં છે.સોસાયટીમાં માસ્ક-સેનેટાઇઝર્સનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ એ જ એક માત્ર ઉપાય છે ત્યારે હવે જાગૃત લોકોએ જ સરકારના આદેશોનુ કડક પાલન કરાવવાનુ શરૂ કર્યુ છે અને જનજાગૃતિના દર્શન કરાવ્યાં છે. ઘણી સોસાયટીમાં લોકોને કોરોના રોગ વિશે ય માહિતી આપવાનું શરૂ કરાયુ છે જેથી લોકો આ રોગ વિશેની ગંભીરતનો ખ્યાલ આવે. હજુય કેટલાંય વિસ્તારોમાં તો લોકો લોકડાઉનનો ભંગ કરીને ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.કેટલાંય વિસ્તારોમાં ભીડ જોવા મળી રહી છે જેને લઇને જાગૃત લોકો ચિતાતુર બન્યાં છે.