બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
હાલ સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ મહામારીનો સામનો કરી રહ્યું છે.ત્યારે અસરકારક ટેસ્ટિંગ થકી કોરોનાને જરૂર નાથી શકાય છે જેથી કેવડિયા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓનાં સ્વાસ્થ્યની ચિંતા કરીને પ્રત્યેક કર્મચારીનાં કોવિડ-૧૯ ટેસ્ટ કરવાનો નિર્ણય નર્મદા નિગમના વહીવટી સંચાલક અને ગુજરાત વનવિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવ કુમાર ગુપ્તાનાં માર્ગદર્શન હેઠળ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહીવટદાર મનોજ કોઠારીની આગેવાનીમાં લેવાયો હતો.તે મુજબ આજે કેવડીયાનાં ૧૦ અલગ-અલગ કેન્દ્ર પરથી ખાસ મેડીકલ ટીમ મારફતે આ કામગીરી સંપન્ન કરાઇ હતી.
આ ટેસ્ટ ઝુંબેશમાં કેવડિયા ખાતે ફરજ બજાવતા સરદાર સરોવર નર્મદા નિગમ લી.,સ્ટેચ્યુ ઓફ યુનિટી, વનવિભાગ કેવડિયા, ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લી.,જિલ્લા કલેકટર કચેરી તેમજ L&T અને ટર્નરનાં તમામ કર્મચારી ઓ તેમજ અધિકારીઓ તથા માધ્યમકર્મીઓનાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ માટે સૂક્ષ્મ આયોજન નાયબ મુખ્ય વહીવટદાર નિલેશ દુબેનાં વડપણ હેઠળ ઘડી કાઢવામાં આવ્યુ હતુ.
તે મુજબ પ્રત્યેક કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સ સહિતની કાળજી રખાઇ હતી. ટેસ્ટિંગ પ્રક્રિયામાં જરૂરી વ્યવસ્થા ઉભી કરીને એક પણ કર્મચારી ટેસ્ટીંગથી વંચિત ન રહી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરાઇ હતી સમગ્ર આયોજન સફળતા પૂર્વક પાર પડે તે માટે વિવિધ ૧૨ ટીમનું ગઠન કરાયુ હતુ તેમજ ટેસ્ટિંગ માટે ૫૦ થી વધુ મેડિકલ ટીમોએ ભાગ લીધો હતો. ટેસ્ટીંગ પ્રકિયા દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં મુખ્ય વહીવટદારશ્રી અને જીલ્લા કલેકટર મનોજ કોઠારીએ નાયબ મુખ્ય વહીવટદાર નિલેશ દુબેની સાથે જંગલ સફારી,ડેમ વ્યુ પોઇન્ટ નંબર-૩ ખાતેનાં કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન પણ પૂરૂ પાડયુ હતુ.