રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
સ્થળ પર છુટાછવાયા ૩૯ જેટલા સાગના વ્રુક્ષ કપાયેલી હાલતમાં મળી આવ્યા : વેચી દેવાયેલા હજારોની સંખ્યામાં સાગ અંગે તપાસ શરુ
લુણાવાડાની પ્રતિષ્ઠિત પી.એન.પંડ્યા આર્ટ્સ,સાયન્સ કોમર્સ કોલેજની ડુંગરને અડીને આવેલ કોલેજની માલીકીની જમીનમાં સરકારના વન વિભાગ અને ખાણખનીજ વિભાગની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય તેમજ ટ્રસ્ટનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરોડોની કિંમતની માટી અને સાગનાં વૃક્ષો બારોબાર વેચી માર્યા હોવાનો મામલાનો પર્દાફાશ થતાં આજે વન વિભાગે સ્થળ તપાસ શરુ કરતાં મોટી સંખ્યામાં સાગ સગેવગે થયાનું જણાઈ આવ્યું હતું. સ્થળે છુટાછવાયા ૩૯ જેટલા સાગના વ્રુક્ષ કપાયેલી હાલતમાં તેમજ વેચી દેવાયેલા હજારોની સંખ્યાના સાગ અંગે ફરીયાદ નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ મિરર ઈમ્પેક્ટ
લુણાવાડા નગર અને સમગ્ર પંથકમાં લાખો વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરનાર લુણાવાડા વિભાગ ઉચ્ચ વિદ્યોત્તેજક મંડળ સંચાલિત કોલેજના હાલના ગેરકાયદેસર રીતે બની બેઠેલા સત્તાધીશોની ભ્રષ્ટ નીતિરીતિના પગલે વિવાદમાં આવતા લોકોના વિશ્વાસને ધક્કો પહોંચ્યો છે. મહીસાગર જિલ્લાના ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખી ડુંગરને અડીને આવેલ કોલેજની પાછળના ભાગે પોતાની માલિકીની જમીનમાં હજારો ફૂટ માટીનું ખોદકામ કરવામાં આવ્યું, પાંચ હજાર ડમ્પરથી પણ વધુની સંખ્યામાં ડમ્પરો ભરી માટી વેચાઈ ગઈ. તેના પરના બે હજારથી વધુ કિંમતી સાગ વેચાઈ ગયા.બીજી તરફ આ મામલાનો પર્દાફાશ થતાં વન વિભાગના અધિકારીઓએ સ્થળ તપાસ હાથ ધરી હતી વન વિભાગનો કાફલો લુણાવાડા કોલેજના પાછળના ભાગે પહોંચતા સ્થળ પર વેરણ છેરણ પડેલા સાગ જોઈને ચોંકી ઉઠયા હતા.સ્થળ પર વધુ જાડાઈના સાગ સગેવગે થઇ ગયા જણાતા હતા. જયારે થોડી સંખ્યામાં છુટાછવાયા સાગના ઓછી જાડાઈના વ્રુક્ષો આડાઅવળા પડયા હતા જેની લંબાઈ જાડાઈનું માપ સાઇઝ લખી લીસ્ટ બનાવતા ૩૯ની સંખ્યા થઇ હતી. જયારે હજારોની સંખ્યામાં વેચાઈ ગયેલા સાગ અંગે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ મહીસાગર જિલ્લાનું ખાણખનીજ વિભાગ અને વન વિભાગ મોટી સંખ્યામાં વેચાઈ ગયેલા સાગ અંગે તપાસ કાર્યવાહી કરશે કે કેમ અને લુણાવાડા કોલેજના ઊઠાં ભણાવતા સત્તાધીશો સામે ટ્રસ્ટની મિલકતને ગંભીર નુકસાન અંગે તેમજ ટ્રસ્ટના સત્તાધીશોના આ બીનહિસાબી વેચાણ માટે પોલીસ ફરિયાદ કોણ નોંધાવશે ટ્રસ્ટનાં સભ્યો કે ચેરિટિ કમિશ્નર આવા અનેક સવાલો પ્રજા માનસમાં ઉઠી રહયા છે.