રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
સંસ્થાના બની બેઠેલા સત્તાધીશોએ કરોડોની કિંમતના કિંમતી સાગ અને લાખો મેટ્રિક ટન માટીનો બારોબાર વહીવટ કર્યો
લાખો વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યાનું અજવાળું ફેલાવનાર લુણાવાડાની પ્રતિષ્ઠિત શ્રી પી.એન.પંડ્યા આર્ટ્સ,સાયન્સ કોમર્સ કોલેજમાં છેલ્લા કેટલાક વર્ષોથી વહીવટમાં ભ્રષ્ટાચારનો સડો પેસતાં કથળી રહ્યો છે. લુણાવાડા નગરમાં ડુંગરને અડીને આવેલ કોલેજની માલીકીની જમીનમાં સરકારના સબંધિત વિભાગોની પૂર્વમંજૂરી મેળવ્યા સિવાય તેમજ ટ્રસ્ટનાં સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કરોડોની કિંમતની માટી અને સાગનાં વૃક્ષો બારોબાર વેચી માર્યા હોવાનું પ્રકાશમાં આવતાં સતત સ્વચ્છ અને પ્રમાણિકતાની દુહાઈ આપતા સત્તાધીશો છબી સાચવવાની વેતરણમાં પડ્યા છે.
લુણાવાડા નગર અને સમગ્ર પંથકમાં લાખો વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરનાર લુણાવાડા વિભાગ ઉચ્ચ વિદ્યોત્તેજક મંડળ સંચાલિત કોલેજના હાલના ગેરકાયદેસર રીતે બની બેઠેલા સત્તાધીશોની ભ્રષ્ટ નીતિરીતિના પગલે વિવાદમાં આવતા લોકોના વિશ્વાસને ધક્કો પહોંચ્યો છે. મહીસાગર જિલ્લાના ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખી ડુંગરને અડીને આવેલ કોલેજની પાછળના ભાગે પોતાની માલિકીની જમીનમાં હજારો ફૂટ માટીનું ખોદકામ કરવામાં આવ્યું, પાંચ હજાર ડમ્પરથી પણ વધુની સંખ્યામાં ડમ્પરો ભરી માટી વેચાઈ ગઈ. કોલેજની બાજુમાં રહેલું વન વિભાગ ઊંઘતું રહ્યું અને તેના પરના બે હજારથી વધુ કિંમતી સાગ વેચાઈ ગયા. ટ્રસ્ટનાં સંનિષ્ઠ સભ્યોને જાણ થઈ લેખિતમાં આપ્યું તેમની અવગણના કરી જમીન ચોખ્ખી કરવાના બહાના હેઠળ ખિસ્સા ભરવાનો કારસો ચાલતો રહ્યો. વિદ્યાના કેન્દ્રની જમીનની માટી અને ઝાડ વેચવાની ભ્રષ્ટ નીતિરીતિનો પર્દાફાશ થતાં સત્તાધીશોના પગ નીચેથી જમીન સરકી રહી છે. સંસ્થાની સતત ચિંતા કરતાં ટ્રસ્ટ સંનિષ્ટ સભ્યો ઉપપ્રમુખ જશવંતલાલ શાહ અને સહમંત્રી કનુભાઈ દવેએ આ અંગે પ્રમુખ હીરાભાઈ પટેલને લેખિતમાં આ અંગે ભારોભાર રોષ વ્યકત કરી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા નોટીસ આપતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ મહીસાગર જિલ્લાનું ખાણખનીજ વિભાગ અને વન વિભાગ નક્કર કાર્યવાહી કરશે કે કેમ અને લુણાવાડા કોલેજના ઊઠાં ભણાવતા સત્તાધીશો સામે ટ્રસ્ટની મિલકતને ગંભીર નુકસાન અંગે તેમજ ટ્રસ્ટના સત્તાધીશોના આ બીનહિસાબી વેચાણ માટે પોલીસ ફરિયાદ કોણ નોંધાવશે ટ્રસ્ટનાં સભ્યો કે ચેરિટિ કમિશ્નર આવા અનેક સવાલો પ્રજા માનસમાં ઉઠી રહયા છે.
ખોદકામ થયેલ જગ્યા મંડળના વહીવટનો વિષય છે…..ઇન્ચાર્જ આચાર્ય
હું સંસ્થામાં ઇન્ચાર્જ આચાર્ય છું. કોલેજ બિલ્ડીંગ લેબોરેટરી સહિતની જગ્યાનું દર વર્ષે મંડળને રૂ. ૧,૦૩,૩૨૦ રૂપિયા ભાડું સંસ્થા આપે છે. જે જગ્યા પર ખોદકામ થયું છે તે જગ્યા સાથે કોલેજને કોઈ લેવાદેવા નથી.એ મંડળના વહીવટનો વિષય છે -વિગ્નેશ શુકલ, ઇન્ચાર્જ આચાર્ય, લુણાવાડા કોલેજ
કાયદેસરની કાર્યવાહી કરાશે… ડી.સી.એફ મહીસાગર
લુણાવાડા કોલેજની પાછળના ભાગમાં અંદાજે ૨૦૦૦ જેટલા સાગ કાપવા બાબતે મંજુરી લીધેલ છે કે કેમ તે અંગે રેંજ ફોરેસ્ટ ઓફિસરને મોકલી તપાસ કરાવી લઉં છું. પોતાની પ્રિમાઈસીસમાં વગર મંજુરીએ ઝાડ કાપવા અંગે સૌરાષ્ટ્ર વ્રુક્ષ છેદન એકટ અન્વયે મામલતદાર કાયદેસરની કાર્યવાહી કરે છે. પરંતુ સાગ રીઝર્વ વ્રુક્ષ હોવાથી વન વિભાગની પણ મંજુરી મેળવવાની હોય છે. જો મંજુરી નહિ મેળવી હોય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.-રઘુવીરસિંહ જાડેજા, ડી.સી.એફ, મહીસાગર
ટ્રસ્ટના સંનિષ્ટ સભ્યોએ પ્રમુખને નોટીસ આપી…
સંસ્થાની સતત ચિંતા કરતાં ટ્રસ્ટના સંનિષ્ટ સભ્યો ઉપપ્રમુખ જશવંતલાલ શાહ અને સહમંત્રી કનુભાઈ દવેએ આ અંગે જાણ થતાં સ્થળ પર જઈ તપાસ કરતાં ચોંકી ઉઠયા હતા. કરોડો રૂપિયાની કિંમતના સાગના કિંમતી વ્રુક્ષો અને હજારો ફૂટ જગ્યામાં લાખો મેટ્રિક ટન માટીનું ખોદકામ થયેલું જોઈ ટ્રસ્ટના પ્રમુખ હીરાભાઈ પટેલને લેખિતમાં આ અંગે ભારોભાર રોષ વ્યકત કર્યો હતો અને મંડળના કયા સભ્યો દ્વારા સંસ્થાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે તેમના પર તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા નોટીસ આપી હતી
હીરાભાઈ તમારે કોલેજમાં ચાલતા આ ભ્રષ્ટાચારનો જવાબ આપવો પડશે !
હીરાભાઈ, તમે અને તમારો પરિવાર આ સંસ્થાની કમાઈ પર નિર્ભર રહ્યો છે વર્ષો સુધી તમે આ સંસ્થાનો પગાર લીધો છે અને આજે પણ આ સંસ્થાનું પેન્શન ખાઈ રહ્યા છો તથા તમે બે ટર્મ ધારાસભ્ય પણ આ સંસ્થાની પ્રતિષ્ઠાના જોરે બન્યા છો. વર્ષોથી તમે આ સંસ્થાના પ્રમુખ પદે ચઢી બેઠા છો છેલ્લા કેટલાક વર્ષોથી આ સંસ્થામાં અનેક ગોટાળા ચાલી રહ્યા છે અનેક બાબતોમાં કટકી વ્યવહારો ચાલુ થઇ ગયા છે.તાજેતરમાં કોની પરવાનગીથી અને કોની રહેમ નજર હેઠળ સંસ્થાના પાછળના ભાગમાંથી કરોડો રૂપિયાના કિંમતી સાગ અને માટી સગેવગે કરી દેવાયા ? સંસ્થાના કયા હોદ્દેદારના ખાનગી કોમ્પ્લેક્ષમાં લાખોની કિંમતની માટીનું પુરાણ કરી દેવાયું ? અને લાખોની કિંમતના સાગના કિંમતી વ્રુક્ષો બારોબાર વેચી દેવાયા ? આ અંગે તા. ૧૨/૦૩/૨૦૨૦ના રોજ આર.પી. એડી કરી સંસ્થાની સતત ચિંતા કરતાં જાગૃત અને પ્રમાણિક સભ્યો ઉપપ્રમુખ જશવંતલાલ શાહ અને સહમંત્રી કનુભાઈ દવેએ સ્થળ પર જઈ જાત તપાસ કરી કરોડો રૂપિયાની કિંમતના સાગના કિંમતી વ્રુક્ષો અને હજારો ફૂટ જગ્યામાં લાખો મેટ્રિક ટન માટીનું ખોદકામ થયેલું જોઈ આપને લેખિતમાં આ અંગે ભારોભાર રોષ વ્યકત કર્યો હતો અને મંડળના કયા સભ્યો દ્વારા સંસ્થાને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે તેમના પર તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા લેખિતમાં જાણ કરી હતી આજે એ વાતને ચાર માસ જેટલો સમય વીત્યા પછી પણ આપે કેમ મૌન ધારણ કર્યું છે ? કેમ આજસુધી કોઈ પ્રકારની કડક કાર્યવાહી કરવાથી આપ બચતા રહ્યા છો ? આપનું મૌન કદાચ આ સંસ્થામાં ચાલતા ગોટાળા અને ભ્રષ્ટચારોમાં આપના પણ હાથ મેલા થઇ રહ્યા હોવાની ચાડી ખાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સંસ્થા સાથે જોડાયેલા લાખો લોકો આ ગોટાળાઓનો હિસાબ આપની પાસે માંગી રહ્યા છે. તમારે આવા લોકોને જેલભેગા ખરેખર કરવા જોઈએ નહી તો તમારા આ સફેદ ઝભ્ભા પર દાગ લાગતાં વાર નહિ લાગે. તમે પણ આ પાપના ભાગીદાર છો તેવું લોકો માની લેશે.