રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
ડોક્ટરનો કર્મ અને ધર્મ છે માત્ર ને માત્ર દર્દીઓની સારવાર દ્વારા ઈશ્વરે આપેલી મહામૂલી જીંદગીને બચાવવી. ડોકટરો થકી સાંપડેલી સ્વાસ્થ્ય પ્રાપ્તિ માત્ર દર્દીઓને જ નહિ પરંતુ તેમના સમગ્ર ઘર-પરિવારને નવજીવન બક્ષે છે. તેઓ આ લક્ષ્યને પાર પડવા પોતાના જીંદગીની પણ પરવા કર્યા વગર અથાક પરિશ્રમ કરી રહયા છે. કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. કોરોનો મહામારી સામેના જંગમાં અનેક ડોકટર્સ, નર્સ સહિતના આરોગ્યકર્મીઓ ખુદ પણ સંક્રમિત થયા છે. આમ કોરોના મહામારીમાં સૌથી વધુ જોખમ કોઈ લેતું હોય તો તે છે ડોક્ટર અને તેમની નર્સિંગ ટીમ.
આવા જ એક ફ્રન્ટ લાઈન વોરિયર છે લુણાવાડા કોવિડ -૧૯ હોસ્ટિપટલમાં તબીબ તરીકે સેવા આપતા ડો. રવિ શેઠ, કોવીડ હોસ્પિટલ ખાતે ૧ લી સપ્ટેમ્બરથી દર્દીઓની સારવાર કરતા ડો. રવિ જણાવે છે કે, સારવાર કરતા કરતા હું પણ કોરોના સંક્રમીત થઈ જતા ગંભીર બીમારીમાં પટકાયો હતો. તબિયત નાદુરસ્ત રહેતા મને ૬ દિવસ સુધી ઓકસીજન પર રાખવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી એસ.બી.શાહની રાહબરીમાં લુણાવાડા કોવિડ હોસ્પિટલના ડૉ.જીગર પટેલ અને સમગ્ર ટીમની સઘન સારવાર બાદ કોરોના જેવી ગંભીર બીમારી માંથી મુક્ત થયેલા ડૉ. રવિ શેઠ સમગ્ર તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોરોનાનો ભોગ કોઈ પણ બની શકે છે અને ડોક્ટર દર્દીઓના સતત સંપર્કમાં રહેતા હોઈ તેમના માટે ખુબ મોટું જોખમ રહેલું છે. પરંતુ અમારી ફરજ માત્ર ને માત્ર દર્દીઓની સેવા કરવાની હોવાનું અને એટલે જ લોકો ડોક્ટરને હંમેશા ભગવાન તરીકે જોતા હોવાનું ડોક્ટર રવિ શેઠ જણાવે છે. આમ લુણાવાડા કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવતા સંક્રમિત થયા બાદ એ જ હોસ્પિટલમાં દાખલ થયેલ કોરોના યોધ્ધા ડૉ. રવિ શેઠે કોરોનાને હરાવી સ્વસ્થતા પ્રાપ્ત કરી છે.