રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
રાજકોટમાં પાણીમાં ડૂબી જવાના જુદી જુદી જગ્યાએ બે બનાવો સામે આવ્યા છે, કૉઝવેમાં બોલેરો તણાવાનો વીડિયો સામે આવ્યો
રાજકોટમાં પાણીમાં ડૂબી જવાના જુદી જુદી જગ્યાએ બે બનાવો સામે આવ્યા છે. રાજકોટના વોર્ડ નંબર 18 એટલે કે કોઠારિયા વિસ્તારમાં આવેલ લાપસરી રોડ પર આવેલ બેઠા પૂલ પર ઊભેલી બોલેરો કાર પાણી માં ખાબકતા ત્રણ વ્યકિતઓ ડૂબ્યા હતા. જે પૈકી સ્થાનિકો દ્વારા બે વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે હાલ ભીખાભાઈ નામના વ્યક્તિની શોધ ખોળ ફાયર બ્રિગેડ અને આજીડેમ પોલીસ મથકના સ્ટાફ દ્વારા શરૂ છે.
સ્થાનિકો દ્વારા જે બે વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે તેમનું નામ ભાવેશ રાઠોડ તેમજ પ્રકાશભાઈ ચાવડા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે નદી નાણાં છલકાઈ ઉઠ્યા છે અને તેના જ કારણે ખોખડધજ તેમજ આજી નદીમાં પુર આવ્યું છે. કોઠારિયા વિસ્તારમાં છે બનાવ સામે આવ્યો છે જે બેઠા પુલ પરથી પાણી વહી રહ્યું છે તે ખોખડધજ નદીનું છે.
તો બીજી તરફ જે બનાવ સામે આવ્યો છે, તે રાજકોટના આજી નદીનો સામે આવ્યો છે. જ્યાં રામનાથ પરા મંદિર પાસે એક યુવક પાણી માં ડૂબ્યો હતો. ત્યારે ફાયર બ્રિગેડે યુવકને બચાવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે પીકઅપ ડાલામાંથી માણસોને ટ્રક મારફતે બચાવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ પાણીનું વહેણ એટલું પૂરજોશમાં હતું કે આખરે બોલેરો કાર તણાતા રોકી શકાઈ નહોતી. ચોમાસાની આ સિઝનમાં આ પ્રકારે જ્યારે ચાલકો જોખમી રીતે નદી-નાળા કે કૉઝવે પસાર કરવાનું જોખમ ઉઠાવે છે ત્યારે જીવ જોખમમાં મૂકાય છે. જાણ કે મોત પોકારતું હોય તેવી રીતે આ ઘટનામાં બોલેરો અધવચ્ચે આવી અને ફસાઈ હતી.