રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
કહેવાય છે કે જન્મદિવસ એ માણસ માટે સૌથી મોટો તહેવાર છે. જેની ઉજવણી લોકો નીતનવી રીતે કરતા હોય છે. આવી જ એક શ્રૃંખલા જોવા મળી છે દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામની મધ્યસ્થ પ્રાથમિક શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ કિશનસિંહ કોળીની. આ વરસે પોતાના જન્મદિવસ ટાણે ૧૧૧૧ જેટલા રોપાનું વિતરણ કરીને અનોખો પર્યાવરણ પ્રેમ દર્શાવ્યો છે. તેમના આ ભગીરથ કાર્યમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ જોડાયાં હતા. મૂળ પંચેલા ગામના વતની અને કોળી સમાજના આગેવાન કિશનસિંહ કોળી વ્યવસાયે શિક્ષક હોવાની સાથે સાથે સુધારાવાદી અને સામાજિક કાર્યકર છે. તેઓ કોળી સમાજના શિક્ષિત અને આધુનિક વિચારસરણી ધરાવતા લોકોનું સોશીયલ મીડીયા મારફતે ગૃપ બનાવીને સતત સંપર્કમાં રહીને સામાજિક જાગૃતિ, વ્યસન મુક્તિ, કુરિવાજો, બ્લડ ડોનેશન વગેરે સેવાકાર્યમાં જોતરાયેલા રહે છે.
તે સાથે સાથે તેઓ ખેતી કાર્ય પણ જાતે કરી જાણે છે. ધરતીપુત્ર હોવાના નાતે તેઓ પર્યાવરણ પ્રત્યે ખૂબ જ લગાવ ધરાવે છે. આ વરસે પોતાના જન્મદિવસ નિમિત્તે રોપા વિતરણ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.પટેલ, ધાનપુર મોડલ શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પ્રજાપતિ અને જનકભાઈ પણ જોડાયાં હતા તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવીને તેમના સેવાકાર્ય માટે બિરદાવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ૪૦૦ દાડમ, ૧૦૦ બદામ, ૫૦ જામફળ, ૧૫૦ આસોપાલવ, ૧૦૦ સરગવા, ૨૫ આંબા, ૨૫ જાંબુ, ૧૦૦ ગુલાબ, ૨૫૦ અન્ય એમ કુલ મળીને ૧૧૧૧ જેટલાં ફળાઉ છોડનું વિતરણ વિવિધ ગામોના લોકોને કરાયું હતું.
આ બાબતે કિશનસિંહ કોળીએ જણાવ્યું હતું કે દર વર્ષે અમે પાંચમી જુલાઈના રોજ મારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરીએ છીએ. આ નિમિત્તે ૧૧૧૧ રોપા વિતરણ કરવાનો એક માત્ર આશય પર્યાવરણ જાળવણી અને સંવર્ધન છે. મારા આ નાનકડા પ્રયાસથી પર્યાવરણ જાગૃતિ પ્રત્યે સમાજને નવી પ્રેરણા મળે તે છે.