રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠકમાં સને-૨૦૨૦-૨૧ ના વર્ષ માટેનો રોડ સેફ્ટી એક્શન પ્લાન મંજુર કરવામાં આવ્યો છે. જેનો જિલ્લાના અમલીકરણ અધિકારીઓને ચુસ્ત પણે પાલન કરવા અને જિલ્લામાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થાય તે રીતની કાર્ય યોજનાનો સુચારૂ અમલ થાય તે સુનિશ્ત કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
નિવાસી અધિક ક્લેક્ટર એચ.કે.વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલના સભ્ય સચીવ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એમ.ખપેડ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ જિલ્લામાં જાહેર પાર્કિંગની સુવિધા સુનિશ્તિ કરવા, જરૂરીયાત જણાય ત્યાં પાર્કિંગ ઝોન તેમજ નો-પાર્કિંગ ઝોન અંગેનું જાહેરનામું બહાર પાડવા, જિલ્લાના શહેરી વિસ્તારોમાં જરૂર જણાય ત્યા ચાર રસ્તા પર ટ્રાફિક લાઇટ/ સિગ્નલ ઉભા કરવા, પોલીસ,આર.ટી.ઓ અને મામલતદારઓને પ્રાથમિક સારવારની તાલીમ આપવા તેમજ રાજપીપલા શહેરમાં રખડતાં ઢોરને પકડવા અને તેની યોગ્ય વ્યવસ્થા કરવા, શાળાના વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર ૧૬ વર્ષથી ઓછી હોય અને ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા ન હોય તેવા વિદ્યાર્થીઓને વાહન લઇને સ્કુલમાં આવતા અટકાવવા તેની સાથોસાથ વાહનોમાં સીટીંગ કેપેસીટી કરતા વધારે પેસેન્જરોને વહન કરતાં વાહનોના કિસ્સામાં નિયમાનુસારની જરૂરી કાર્યવાહી સાથે દંડની વસુલાત થાય તે જોવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને સુચના અને માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા મોટર વાહન નિરીક્ષક વી.ડી.અચલે ઉક્ત બેઠકની રૂપરેખા રજુ કરી હતી, આ બેઠકમાં નિવાસી અધિક ક્લેક્ટર એચ.કે.વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, ડિસ્ટ્રિક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલના સભ્ય સચિવશ્રી અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એમ.ખપેડ, રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યશેભાઇ પટેલ ,એસ.ટી. ડેપો મેનેજર પી.પી.ધામા,નાયબ કાર્યપાલક ઇજેનેર એચ.ડી.વસાવા, ભરૂચના જી.પી.સી.બી ની રિજિયોનલ કચેરીના અમિત પટેલ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.