રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયા બાદ ત્યાં સુધી પહોંચવા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરાઈ રહ્યો છે. કેવડીયામાં વિશ્વ કક્ષાનું રેલ્વે મથક નિર્માણ પામી રહ્યું છે. એ માટે વડોદરા અને નર્મદા જિલ્લાની અમુક ગામોની જમીન સંપાદિત પણ થઈ ચૂકી છે.એક તરફ રેલ્વે મથકનું કામ પુર જોશમાં ચાલી રહ્યું છે તો બીજી બાજુ એ જ વિસ્તારની આદીવાસી મહિલા આગેવાન મધુબેન નાનુંભાઈ તડવીએ આક્ષેપ લગાવ્યો છે કે રેલ્વેના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોએ ગભાણા ગામની મારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી નુકશાન કર્યું છે.રાજપીપળામાં રહેતી આદિવાસી મહિલા આગેવાન મધુબેન નાનુભાઈ તડવીએ નર્મદા જિલ્લા કલેકટર અને રાજપીપળા પ્રાંત અધિકારીને આ મામલે એક પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે ગરુડેશ્વર તાલુકાના ગભાણા ગામની સર્વે નંબર 168 ની જમીન પર હું મારી દીકરી સાથે સંયુક્ત માલિકી ધરાવું છું. જેમાંથી રેલ્વે પ્રોજેકટ માંથી 16 ગૂંઠા જમીન સંપાદિત થઈ છે બાકીની જમીન ખેતી લાયક છે. રસ્તા પર ગળનાળાનું કામ ચાલુ થતા રેલ્વેના અધિકારીઓ અને કોન્ટ્રાકટરોએ મારા એ ખેતરની વાડ જાતે જ કાઢી નાખી પરવાનગી વિના ડાયવર્ઝન આપી રેતી-કપચી અને અન્ય સામાન મુક્યો છે. વારંવાર ટકોર કરવા છતાં તેઓ દાદાગીરીથી જમીન ખાલી કરતા નથી, કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ આપવા છતાં ફરિયાદ નોંધાઈ નથી. મારી માલિનીકી એ જમીન પણ દબાઈ ગઈ હોવાથી આ વર્ષે કોઈ જ પાક થશે નહીં, મારી એક એકર જમીનમાં લગભગ ૧ લાખ રૂપિયાનું નુકશાન થયું છે તો મને એ વળતર મળે એવી મારી વિનંતી છે.તેવું આદિવાસી મહિલા એ જણાવ્યું હતું.