વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસના નવા 3 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 6 ઉપર પહોંચી ગઇ છે. શ્રીલંકા ગયેલા 12 લોકોના ગૃપ પૈકી અગાઉ એક પુરૂષનો કોરોના વાઈરસનો પોઝિટીવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ આજે તેની પત્ની, દીકરી અને પુત્રવધુનો કોરોના વાઈરસનો કેસ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તંત્રમાં દોડધામ મચી ગઇ છે. 3 દિવસનું લોકડાઉન હોવા છતાં લોકો રસ્તા ઉપર નીકળી ગયા હતા. શરૂઆતમાં પોલીસે લોકોને ઘરે પર જવાની અપીલ કરી રહી હતી. પરંતુ બાદમાં પોલીસે વાહનો ડિટેઇન કરવાનું શરૂ કર્યું છે. જેમાં પોલીસે બહાર નીકળેલા લોકોના 500 ટુ-વ્હીલર્સ અને કાર્સ ડીટેઇન કરી છે. પોલીસે દુકાનો બંધ કરવાનું એનાઉન્સમેન્ટ કર્યાં પછી પણ પાદરામાં દુકાન ખુલ્લી રાખતા 7 વેપારીઓની અટકાયત કરવામાં આવી છે. વડોદરા શહેરમાં કામ વગર બહાર નીકળનાર સામે કડક કાર્યવાહી કરવામા આવી. 42 મોટા ટ્રાફિક જંક્શનો બંધ કરવામાં આવ્યા: વડોદરા પોલીસ કમિશનરએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન કામ વગર બહાર નીકળનારા સામે કડક કાર્યવાહી કરાશે. અત્યાર સુધીમાં 500 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. 42 મોટા ટ્રાફિક જંક્શનો બંધ કરવામાં આવ્યા અને એસ.આર.પી.ની મદદ લેવાઇ છે. અને આવશ્યક ચીજોની દુકાન સિવાયની દુકાનો ખોલનારા સામે ગુનો નોધવામાં આવશે.
એક જ પરિવારના 4 સભ્યોને કોરોના વાઈરસ પોઝિટિવ:21 માર્ચે શ્રીલંકાથી પરત આવેલા 12 લોકોના ગૃપ પૈકી 52 વર્ષીય પુરૂષનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. હવે તેના પરિવારના 3 સભ્યોનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ એક જ પરિવારના 4 સભ્યોનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા તંત્ર દોડતુ થઇ ગયું છે. જેમાં 52 વર્ષના પતિ, તેની પત્ની, 27 વર્ષની પુત્રી અને 29 વર્ષની પુત્રવધૂનો સમાવેશ થાય છે.
તંત્ર કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા 31 લોકોને ક્વોરન્ટાઇન કર્યાં,
વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા 31 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
વડોદરામાં આજે વાહન વ્યવહાર શરૂ: 25 માર્ચ સુધી વડોદરા શહેરમાં જીવનજરૂરીયાત અને આરોગ્ય સિવાયની વિવિધ સેવાઓ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે લોકોએ વેપાર-ધંધા બંધ રાખ્યા છે પરંતુ આજે લોકો રસ્તા ઉપર નીકળી ગયા હતા. જોકે પોલીસ લોકોને ઘરે પર જવાની અપીલ કરી રહી છે અને ઘણા લોકોને સમજાવીને ઘરે પણ મોકલ્યા છે.
નેપાળથી આવેલા પ્રવાસીઓનું સ્ક્રિનિંગ:ભરૂચથી નેપાળ પ્રવાસે ગયેલા પ્રવાસીઓની બસ ભરૂચ આજે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. જેમાં 45 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના અલગ-અલગ ગામોના લોકો નેપાળ પ્રવાસે ગયા હતા
15 હજારથી વધુ નાના, મોટા, મધ્યમ અને લઘુ ઔદ્યોગિક એકમો બંધ:વડોદરા શહેર અને જિલ્લાના 15 હજારથી વધુ નાના, મોટા, મધ્યમ અને લઘુ ઔદ્યોગિક એકમો થંભી ગયા છે. ઔદ્યોગિક એકમો 23 માર્ચથી 25 માર્ચ સુધી કોરોના વાઈરસને રોકવા સ્વૈચ્છિક શટડાઉન એટલે કે ઉદ્યોગબંધી પાળશે. ખાસ વાત એ છે કે, આ એકમોમાં કામ અને ઉત્પાદન બંધ રહેવા છતાં માનવીય અભિગમ દાખવીને તેમના કામદારો, કર્મચારીઓ અને શ્રમયોગીઓનું વેતન કાપવામાં નહીં આવે. આ ઉપરાંત આ શટડાઉનમાંથી ફાર્મા, માસ્ક, એપીઆઇ સહિત જીવન આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદક એકમોને બાકાત રાખવામાં આવ્યા છે.
વડોદરામાં કોરોના ટેસ્ટની લેબને મંજૂરી:વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરવાની સુવિધાને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. વડોદરા જિલ્લા કલેકટરએ લેબ શરૂ કરવાની મંજૂરી માટે દરખાસ્ત કરી હતી. બે દિવસમાં આ સુવિધા કાર્યરત કરી દેવા વડોદરા જિલ્લા કલેકટરે સૂચના આપી છે.