રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
જુનાઘાટા ગામ નજીક આવેલા ટકારા ધોધ પર પાર્ટી કરી સ્નાન કરતા યુવાનો પોલીસને જોઈ ભાગી છૂટ્યા બાદ ત્યાં પોલીસ કાર્યવાહી કરતી જોઇ પથ્થરમારો કર્યો.
કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે સરકારે અનલોક-1 જાહેર કર્યું છે.જેથી લોકો ધંધા અને રોજીરોટી મેળવી શકે પરંતુ કેટલાક લોકો આ છૂટછાટ નો દુરુપયોગ કરતા હોય એવા તત્વો સામે નર્મદા પોલીસ નજર રાખી કડક કાર્યવાહી કરે છે જેમાં ખાસ કરીને કેટલાક ગ્રામ્ય વિસ્તારોના લોકો સરકારના જાહેરનામાની ભંગ કરતા હોવાની ઘણી ફરિયાદો ઉઠી હોય આવી ફરિયાદોને લઈને નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના આમલેથા પોલીસની ટિમ કેટલાક ગામડાઓમાં પેટ્રોલિંગ માટે નીકળી હતી તે દરમિયાન જુનાઘાટા ગામમા 30 વ્યક્તિઓના ટોળાએ પોલીસ ટિમ પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના બની હતી. આ બનાવ સંદર્ભે આમલેથા પોલીસે 30 ના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
આમલેથા પોલીસ મથકના મહિલા પી.એસ.આઈ એસ.ડી.પટેલ તેમની પોલીસ ટીમ સાથે ગ્રામ્ય વિસ્તારોમા પેટ્રોલિંગ માટે ગયા હતા. દરમિયાન એ વિસ્તારના જુના ઘાટા ગામના ટકાવા ધોધ ખાતે 8 જેવા યુવાનો પાર્ટી અને સ્નાન ની મજા માણી રહ્યા હતા. દરમિયાન ત્યાં પોલીસને આવતા જોઈ તમામ પોતાની બાઈકો મૂકી ભાગી ગયા હતા. આમલેથા પોલિસે આ મામલે તપાસ કરી જાહેરનામા ના ભંગ ની કાર્યવાહી કરી રહી હતી ત્યારે આ લોકો સહીત અન્ય 30 લોકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું અને પોલિસ પર પથ્થર મારો કરી હુમલો કર્યો હતો. આ મામલે આમલેથા પોલીસે 30 જેવા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.
આ બાબતે આમલેથા પોલીસ મથકના મહિલા પી.એસ.આઈ એસ.ડી.પટેલે જણાવ્યું હતું કે અમે ટિમ સાથે ત્યાં પેટ્રોલિંગમાં ગયા હતા, દરમિયાન ટકારા ધોધ પર અમુક લોકો જાહેરનામાનો ભંગ કરી પાર્ટી કરતા હોવાનું અમને જાણવા મળ્યું હતું. અમે ત્યાં ગયા તો યુવાનો બાઈક મૂકી ભાગી ગયા હતા. અમે એ લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી બાઇકો ડિટેન કરવા માટે ગયા તો ગામમાંથી ટોળું આવી અમને પણ રોકી લીધા બાદ પથ્થરમારો ચાલુ કર્યો હતો. હું અને અન્ય 2 પોલીસ કર્મીઓ જ ત્યાં હાજર હતા, ત્યાર બાદ મેં ડી.વાય.એસ.પી પરમાર ને આ બાબતે જાણ કરી અને એ ત્યાં આવ્યા બાદ પણ રસ્તા વચ્ચે પથ્થરો મૂકી રસ્તો રોકવાનો પ્રયાસ કરાયો હતો.જેથી બીજી વધુ પોલીસ ટુકડી બોલાવી તમામ વાહનો અમે ત્યાંથી આમલેથા પોલીસ મથકમાં લઈ આવ્યા હતા.