રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક સાથે બે કેસ નોંધાતા મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 ઉપર પોહચી ગઈ છે. નવા પોઝિટિવ કેસમાં હળવદ શહેરમાં આજે કોરોનાના વધુ બે કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદથી પરત આવેલા દંપતીને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે અમદાવાદ ખાતે સેમ્પલ લેવાયા હતા જેમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું બહાર આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
આ અંગે મળતી વિગતો મુજબ હળવદના સોની વાડ વિસ્તારમાં રહેતા લલિતભાઈ સોની ઉમર વર્ષ ૬૦ અને તેમના પત્ની નિતાબેન સોની ઉમર વર્ષ ૫૫ નો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હાલ બંનેની અમદાવાદમાં સારવાર ચાલુ હોવાની વિગતો મળી છે. કોરોના પોઝિટિવ સોની દંપતી હળવદમાં સોનીની દુકાન ધરાવે છે. અને હળવદ અને અમદાવાદ બંને જગ્યાએ તેમના મકાનો આવેલા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ લલીતભાઈ સોનીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની હળવદમાં જોરદાર અફવા ચાલી હતી. જોકે આરોગ્ય વિભાગે ત્યારબાદ સ્પષ્ટતા કરી હતી કે તેઓને અમદાવાદ અન્ય સારવાર લેવામાં આવી હતી. કોરોના ના સેમ્પલ લેવામાં આવ્યા ન હતા. જોકે ગઈ કાલે તેમના અને તેમના પત્નીના સેમ્પલ લેવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે જેથી હાલ આ દંપતિ અમદાવાદ ખાતે હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ દંપતીની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ રહી હોવાનું સામે આવ્યું છે.