આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ ઓછા થયા હોવા છતાં કેન્દ્ર સરકાર પ્રજા સામે લૂંટ ચલાવી રહી હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી બહાર માનવ સાંકળ રચીને ચક્કાજામ કર્યો હતો અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ ઓછા થતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં નાગરિકોને રાહત મળે તે માટે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, શહેર પ્રમુખ અને વિપક્ષના નેતાની આગેવાનીમાં આજે કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. કોંગ્રેસી અગ્રણીઓએ કલેક્ટર કચેરી બહાર રસ્તો ચક્કાજામ કરીને પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવનો વિરોધ કર્યો હતો ત્યારબાદ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલને રજૂઆત કરી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવાની માંગ કરી હતી. સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ વર્તાવી રહ્યો છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરીને કાર્યક્રમ કર્યો હતો.