રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની સાથે અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા : નર્મદામાં લોકડાઉન દરમિયાન અકસ્માતના બનાવો માં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારબાદ હાલ સરકારની છૂટછાટ મળતા અકસ્માતના બનાવો ફરી વધતા જોવા મળી રહયા છે. રાજપીપળા નજીક બાઈક-કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઈક પર સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતું, જ્યારે બેફામ આવી રહેલા કાર ચાલક સાથે 3 વર્ષીના બાળકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા.
પ્રાપ્ત મળતી માહિતી મુજબ 9 જૂનના રોજ રાજપીપળા નજીકના વાવડી ગામ ખાતે આવેલા હરિસિદ્ધિ પેટ્રોલ પંપ પર મેનેજર તરીકે નોકરી કરતા ગણપત અંબુભાઈ સોલંકી (ઉ.વ.45 રહે.લુણા,તા:વાલિયા) મો.સા.નં.GJ 16 B 9682 પર ગરુડેશ્વરના અકતેશ્વર ગામના માનુબેન બાબુ ભાઇ તડવીને બેસાડીને ગરુડેશ્વર પેટ્રોલ પંપ પર રાત્રે 9 વાગ્યાના અરસામાં જઈ રહ્યા હતા. ત્યારે ફૂલવાડી અને સમારીયાની વચ્ચે રાજપીપળાથી કેવડિયા તરફ જઈ રહેલા કાર નં.GJ 22 H 7722 ના ચાલકે એમને પાછળથી ટક્કર મારી હતી. જેમાં કારે 2-3 પલટી મારી સાથે બાઇક પણ 100 ફૂટ સુધી ઘસડાઈ હોય આ જોરદાર અકસ્માતમાં બાઈક પર સવાર ગણપત સોલંકી અને માનુંબેન તડવીનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
જ્યારે કારમાં સવાર અમિત રાજેન્દ્ર પટેલ અને એમના 3 વર્ષીના પુત્રને ગંભીર ઘાયલ હાલતમાં સારવાર અર્થે વડોદરા ખાતે લઈ જવાયા હતા. આ અકસ્માત બાબતે રાજપીપળા પોલીસે કાર ચાલક અમિત રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત માં મૃત્યુ પામનાર બન્ને ના મૃતદેહને પીએમ માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા અને પીએમ બાદ બંને ના મૃતદેહોને પરિવારજનોને સોંપાયા હતા.