રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
જિલ્લાના નવે’ય તાલુકામાં કુલ મળી ૨૭૯ ચેકડમોના રિપેરિંગ માટે રૂ. ૭.૮૨ કરોડનો ખર્ચ થવાનો અંદાજ
સુજલામ સુફલામ જળ અભિયાનના આ ત્રીજા ચરણમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હયાત જળ સંગ્રહ શક્તિ વધારવાના આશયથી તળાવો ઉંડા કરવાના કામો ઉપરાંત તૂટી ગયેલા ચેકડેમોને રિપેરિંગ કરવાના કામો પણ હાથ ઉપર લેવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના નવે’ય તાલુકામાં કુલ મળી ૨૭૯ ચેકડમોના રિપેરિંગ કરવામાં આવી રહ્યા છે. આ કામ માટે રૂ. ૭.૮૨ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
આ બાબતે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા ૧૪૨ અને રાજ્ય સિંચાઇ વિભાગ દ્વારા ૧૩૭ ચેકડેમોના દુરસ્તીકાર્ય હાથ ધરવામાં આવ્યા છે. તે પૈકી ૪૦ જેટલા ચેકડેમોને અત્યાર સુધીમાં રિપેર થઇ ચૂક્યા છે. બાકીના મોટા ભાગના ચેકડેમોનું રિપેરિંગ કાર્ય ૫૦ ટકાથી ઉપર થઇ ગયું છે. એ કામ પણ આગામી ચોમાસા પહેલા પૂર્ણ થઇ જાય એ પ્રકારનું આયોજન છે.
તાલુકા પ્રમાણે ચેકડેમોની વિગતો જોઇએ તો દાહોદ તાલુકામાં ૨૫, ગરબાડા તાલુકામાં ૩૬, લીમખેડા તાલુકામાં ૨૦, સિંગવડમાં ૧૦, ધાનપુર તાલુકામાં ૬૨, દેવગઢ બારિયા તાલુકામાં ૯૩, ફતેપુરામાં ૧૨, ઝાલોદમાં ૧૮ અને સંજેલી તાલુકામાં ૩ ચેકડેમો રિપેર કરવામાં આવી રહ્યા છે.
આ ચેકડેમો પાછલા વર્ષો દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે તૂટી જવા પામ્યા હતા. જેને હવે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રિપેર કરવામાં આવી રહ્યા છે. પંચાયત સિંચાઇ વિભાગના ૧૪૨ ચેકડેમો માટે રૂ. ૪.૮૦ કરોડ અને રાજ્ય સિંચાઇ વિભાગના ચેકડેમો માટે રૂ. ૩.૦૧ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
આ ચેકડેમના રિપેરિંગ કાર્યની ચકાસણી કરવા માટે કલેક્ટર શ્રી ખરાડી દ્વારા જિલ્લા અને તાલુકાના વરિષ્ઠ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. આ અધિકારીઓ દ્વારા ચેકડેમોનું રિપેરિંગ કાર્ય ગુણવત્તાયુક્ત થાય એ બાબતનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.