ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે શહેરમાં બનેલા ઘરફોડ ચોરી તેમજ બેટરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.
ગોધરા શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો ચોરીનો મુદ્દામાલ લઈ ગોધરા શહેરમાં લાલબાગ મંદિર વિસ્તાર તરફ વેચવા માટે ફરી રહ્યા છે.જેથી પોલીસ ટીમે લાલબાગ વિસ્તારમાં તપાસ કરતા ચાર પૈકી સંજય અમૃત દંતાણી,નાનજી કાંતિ નાયક,રાજેશ જસવંત સોલંકી, ભલા નાગજી પટેલ પાસેથી પ્લાસ્ટિકના થેલામા ચોરીની બે બેટરી મળી આવી હતી.
જે બેટરી દોઢ માસ અગાઉ શહેરના બસ સ્ટેન્ડમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.તેમજ મુખ્ય આરોપી સંજય દંતાણીના ઘરે પોલીસે તપાસ કરતા ટી.વી.,ડી.વી.ડી,ટેબલ પંખો, વજન કરવાના કાટલા, તેમજ મીણયા ઠેલાઓમાં ઘઉં,ચોખા ભરેલા હતા.જેની ચોરી દસ દિવસ પહેલા શહેરની વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે થી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ઘરફોડ ચોરીના ચાર આરોપીઓ ની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.