રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
જિલ્લાના અન્ય ખેડૂતોને પણ વરસાદી પાણીના સંગ્રહ અને જળસંવર્ધન માટે હોલિયાનું નિર્માણ કરવા જિલ્લા કલેક્ટરનું આહ્વાન
ચોમાસાની ઋતુ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વરસાદી પાણીના સંગ્રહ માટે શંખેશ્વર તાલુકાના કંચનપુરા ગામે ખેતરમાં તૈયાર કરવામાં આવેલા હોલિયાની જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અમલમાં મૂકી અને વરસાદી પાણીના જળસંગ્રહ માટે કરેલા આહવાન અને વડાપ્રધાનશ્રીના રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના ઈનિશિએટીવને પગલે ખેડૂતો દ્વારા ખેતરમાં જ વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરવા હોલિયા તૈયાર કરવામાં આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી છેવાડાના તાલુકાઓમાં તૈયાર કરવામાં આવેલા ૧૧૮ જેટલા હોલિયા પૈકી શંખેશ્વર તાલુકાના કંચનપુરા ગામે તૈયાર કરવામાં આવેલા હોલિયાનું જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે નિરિક્ષણ કર્યુ હતું.
રેઈન વોટર હાર્વેસ્ટીંગની આ પદ્ધતિથી પ્રભાવિત થયેલા જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ જળસંવર્ધન માટે હોલિયાનું નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું. જેના પગલે ખેડૂતોએ આગામી સમયમાં મોટા પાયે વરસાદી જળ સંગ્રહ કરવા સંકલ્પ કર્યો હતો. સાથે જ જિલ્લા કલેક્ટરશ્રીએ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા પણ ખેડૂતોને અનુરોધ કર્યો હતો.
આ તબક્કે જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી અમિતભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી જગદીશભાઈ દેસાઈ, મામલતદારશ્રી ઈશ્વરજી ઠાકોર, રિલાયન્સ ફાઉન્ડેશનનાશ્રી વ્રજલાલ રાજગોર તેમજ જયરામભાઈ અને કંચનપુરા ગામના ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.