રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
જિલ્લા પંચાયતના પટાંગણમાં ૨૦૪ ફળાઉ વૃક્ષોનું વાવેતર
ચાલો વૃક્ષો વાવીને તેનું જતન કરી પૃથ્વી ઉપર હરિયાળી લાવીએ તે માટે સૌ સંકલ્પબદ્ધ
ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ છે. વૃક્ષોમાં દેવોનો વાસ છે. સિમેન્ટ કોંક્રિટના વધતા જતા જંગલો વચ્ચે પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે. સાથોસાથ ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણને અને પૃથ્વીને જે નુકસાન થઈ રહ્યું છે તેનાથી પર્યાવરણ અને પૃથ્વીને બચાવી પડશે. આ હેતુસર દર વર્ષે ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને વિશ્વમાં તેની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોનાવાયરસની મહામારી વચ્ચે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં ડિજિટલ કે વેબીનાર દ્વારા પણ ઉજવણી કરવામાં આવી રહી છે.
કોરોનાવાયરસની આ મહામારી વચ્ચે મહિસાગર જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન સાથે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.
આજે મહિસાગર જિલ્લા પંચાયતના પટાંગણમાં પાર્કિંગ સ્ટેન્ડ પાસેની ખુલ્લી જગ્યામાં લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ખાંટ, જિલ્લા કલેક્ટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા વન રક્ષક આર.ડી જાડેજા, અગ્રણી જે.પી.પટેલ અને અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ જાતના ૨૦૪ જેટલા ફળાઉ વૃક્ષોનું વાવેતર કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.
આ તમામ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષ લગાના મહાન કામ, એક વૃક્ષ સો પુત્ર સમાન, તેમજ વૃક્ષોનું વાવેતર કરીને તેનો જતનપૂર્વક ઉછેર કરી ને પૃથ્વી પર હરિયાળી ક્રાંતિ લાવવા સંકલ્પબદ્ધ થયા હતા.
જિલ્લા પંચાયતના પટાંગણમાં વાવવામાં આવેલ આ વૃક્ષોમાં કેસર કેરીના કલમી આંબા, સરગવો, આંબળાના વૃક્ષોનો સમાવેશ થાય છે. જ્યારે આ વાવવામાં આવેલ વૃક્ષોનું જતન અને ઉછેર કરવાની જવાબદારી વિવિધ વિભાગોને સોંપવામાં આવી હતી.