રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હાલ તાર-ફેનસિંગ કામગીરી ચાલી રહી છે, જેનો સ્થાનિક આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે.ગુજરાત કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો પણ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.તો બીજી બાજુ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવા વિનંતી કરી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફેનસિંગ કામગીરીનો મુદ્દો હાલ રાષ્ટ્રીય કક્ષાએ ચમક્યો છે ત્યારે આ મામલે ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવાને એક વ્યક્તિએ ફોન પર મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો છે.
ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવાના જણાવ્યા મુજબ 2જી જૂન ના રોજ સાંજે 5:39 કલાકે 6303949917 પરથી એક વ્યક્તિએ એમને ફોન કર્યો અને જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદીવાસીઓ સાથે જે થઈ રહ્યું છે એ વહેલી તકે બંધ થવું જોઈએ બાકી મઝા નહિ આવે બિલકુલ, તમે કેમ આદિવાસીઓ સાથે જુલ્મ કેમ કરો છો તમે, એમ જણાવી મારી સાથે અસભ્ય ભાષામાં વાત કરી હતી.સાથે સાથે એણે એમ પણ જણાવ્યું હતું કે ગણપત ભાઈ રબારી અને મનસુખ વસાવાને તીરથી વીંધી નાખીશું અને પાળિયાથી ટુકડા કરી નાખીશું.મને દિવસમાં પણ ઘણા આદિવાસી સંગઠનનો સાથે કામ કરતા લોકોના ફોન આવ્યા પણ એમણે મારી સાથે સારી ભાષામાં વાત કરી હતું.તો આ મામલે મનસુખભાઈ વસાવાએ રાજપીપળા પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ પણ હરકતમાં આવી છે.
જોકે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ફોન પર ધમકી આપનાર યુવાનને એની જ ભાષામાં જવાબ તો આપી દીધો હતો.પણ બીજી બાજુ આ ધમકી ભર્યા ફોનથી મનસુખ વસાવાના જીવને ખતરો છે એવું ચોક્કસ પણે કહી શકાય.અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મનસુખભાઇ વસાવાએ જ્યારે આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટ બાબતે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે પણ એમને ફોન પર ધમકીઓ મળી હતી, જો કે એ સમયે પોલીસે ધમકી આપનારાઓને ઝડપી પાડ્યા હતા.હવે એમને ફરીથી ધમકી આપનારને પોલીસ ઝડપી પાડે છે કે કેમ એ જોવું રહ્યું છે.