રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામોમાં હાલ સર્વે-ફેનસિંગ કામગીરી મામલે આદિવાસીઓમાં વિરોધ વધ્યો છે.અવાર નવાર પોલિસ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા જ કરે છે.હવે આ મામલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ મીડિયા સમક્ષ કઈ ન જ બોલવા જણાવી રહ્યા છે.હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓને ન્યાય મળે એ માટે આદીવાસી નેતા ઘડિયાના MLA છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયામાં સરકાર વિરુદ્ધ વોર છેડી છે.એમણે પોતાના ફેસબુક એકાઉન્ટના માધ્યમથી પોતાના સમર્થકોને ગુજરાત સરકાર અને પોલીસના દમનના વિરોધમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટની આડમાં કેવડિયા વિસ્તારના આદિવાસીઓના 14 ગામોમાં ગેરકાયદેસર રીતે જમીનો હડપવાના વિરોધમાં 28/5/2020 ના રોજ બપોરે 1 વાગ્યાથી આગામી દિવસોમાં પોતાના ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને વોટ્સએપના માધ્યમથી #StatueOfDisplacement હેશટેગને ટ્રેન્ડ કરવા આહવાન કર્યું છે.છોટુભાઈ વસાવાના આહવાનને પગલે અત્યાર સુધી લગભગ 45 હજારથી વધુ રી-ટ્વિટ થઈ ચુક્યા છે.
તો બીજી બાજુ ભારતીય ટ્રાયબલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ વસાવાએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના સમર્થકોને આહવાન કરતા જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 14 આદિવાસી ગામોમાં આદિવાસીઓનો અવાજ દબાવવામાં આવે છે.આગામી દિવસોમાં #JailBharoKevadiyaBachavo હેશટેગ શેર કરી આખા દેશના આદિવાસીઓ આગળ આવી કેવડિયા વિસ્તારના આદિવાસીઓ સાથે ઉભા રહેવા શપથ લેવા આહવાન કર્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે ભાજપ સરકારનો પક્ષ ખેંચી રહી છે ત્યારે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામ્યું છે એ ગરુડેશ્વર તાલુકા યુવા ભાજપ પ્રમુખ જિતેશ તડવીએ પણ લોકડાઉનમાં તંત્ર દ્વારા કરાતી કામગીરીનો સખત વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસ પણ આવી મેદાનમાં
અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ માટે BTP, BTS, ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયા સહિત અન્ય આદિવાસી સંગઠનોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.પણ હવે એ વિરોધમાં કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ પોતાના ફેસબુક એકાઉન્ટના માધ્યમથી જણાવ્યું હતું કે લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં સરકાર આદિવાસીઓની જમીન હડપી લેવાનું કૃત્ય કરી રહી છે.જ્યાં લોકોને અન્યાય થતો હોય એમનો અવાજ બનવા કોંગ્રેસ પ્રયત્ન કરે જ છે.સરકાર આદિવાસીઓની જમીન હડપી લેવાનો જે પ્રયત્ન કરી રહી છે એની સામે તમામ સમાજ આદિવાસીઓની પડખે આવે એવી મારી અપીલ છે.લોકડાઉનના કપરા સમયમાં 144 કલમ લાગુ હોવા છતાં પણ નિયમોનું ત્યાં ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે, કોઈ સામાન્ય નાગરિક 4 જણ ભેગા થાય ત્યારે 144 કલમ લાગુ કરે છે તો બીજી બાજુ આદિવાસી સમાજની જમીન હડપી લેવા કેવડિયા વિસ્તારમાં પોલિસના કાફલા ઉતારી દીધા છે.સરકારનું આ કૃત્ય બિલકુલ ચલાવી લેવામાં નહિ આવે ઉગ્ર આંદોલન પણ કરાશે.