કોરોનાના કેહેર વચ્ચે એમ પણ લોકો વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે ત્યાંતો ઉનાળાના બળબળતા તાપમાં અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પોકાર પડી રહી છે, લોકોને હાલમાં પીવાના પાણીની પારાવાર તકલીફ પડી રહી છે.મોદી સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે એની આસપાસના વિસ્તારોમાં વિકાસ તો ખૂબ કર્યો છે, એ વિકાસને લીધે આદિવાસીઓના જીવન પર ઘણો પ્રભાવ પડ્યો છે.પણ વિકાસની વાત થતી હોય તો સરકારે અંતરિયાળ વિસ્તારને નજર અંદાજ ન જ કરવું જોઈએ.આ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું એટલે એ વિસ્તારનો વિકાસ શક્ય બન્યો છે.નર્મદા જિલ્લામાં હજુ પણ એવા ઘણા ગામડાઓ છે કે જ્યાં આઝાદી પછી નથી રસ્તો બન્યો કે નથી પાણીની સુવિધા સરકારે ઉપલબ્ધ કરાવી.અહીંયા વાત છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના અંતરિયાળ વિસ્તારના ગામ માંડણ ચીનકુવા ફળિયાની.
ગામમાં આઝાદીના સમયથી નથી પાકો રસ્તો બન્યો કે નથી પાણીની યોગ્ય સુવિધા, શાળા પણ ચાલે છે તો એક ઝૂંપડામાં, અને જો વરસાદની સિઝન આવે તો ગામની બહાર વાહન લઈને જવાનું લોકો માટે કઠિન થઈ પડે છે.માંડણ ચીનકુવા ફળિયાના 20 વર્ષીય યુવાન નરપત દલસુખ વસાવાએ પોતાની આપવીતી ગુજરાત એક્સક્લુઝીવ સમક્ષ રજુ કરી હતી.નરપત વસાવાએ જણાવ્યું હતું કે અમારા 400 લોકોની વસ્તીના ગામમાં અત્યાર સુધી કોઈ સરકારી યોજનાઓ આવી જ નથી.1 થી 5 ધોરણની શાળા પણ ઝુંપડામાં ચાલે છે, એ શાળામાં એક બાજુએ લોકો રહે છે તો બીજી બાજુએ શાળા ચાલે છે.પાણી માટે ફક્ત કૂવો જ એક માત્ર સ્ત્રોત છે.પાણી ભરવા ઉનાળાના બળબળતા તાપમાં ગામની મહિલાઓએ 1 થી 1.5 કિમિ સુધી પથ્થરો પર ચાલી ટેકરી પરથી નીચે ઉતરી 60-70 ફૂટ ઊંડા કુવામાંથી પાણી ભરે છે, તો અમુક લોકો પાણીના ઝર ફૂટે છે ત્યાંથી પાણી પીએ છે.એક વ્યક્તિ કૂવામાંથી પાણી કાઢી કાઢી અન્ય લોકોને ભરી આપે છે.રસ્તો પણ કાચો છે, ચોમાસામાં જો કોઈ બીમાર પડ્યું હોય તો ગામ સુધી 108 કે અન્ય કોઈ વાહન આવી શકતું ન હોવાથી અમારે ઝોળીમાં બાંધી બીમાર વ્યક્તિને બહાર લઈ જવો પડે છે.અમારા વિસ્તારનો સરપંચ સતત 25 વર્ષથી ચૂંટાય છે પણ વિકાસનું કોઈ કામ કર્યું નથી.એમ કહીએ તો ખોટું નથી કે અમારા ગામમાં આઝાદી પછી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ જ નથી.
અત્રે એ ઉલ્લેખનિય છે કે સરકાર ભલે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે એની આસપાસના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરે પણ સાથે સાથે વર્ષોથી વિકાસ ઝંખતા ગામોમાં પણ વિકાસ કરવો જોઈએ, બીજું કંઈ નહીં તો પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જ રહી.