રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
રાજ્ય સરકારે પશુઓ પ્રત્યે દાખવેલી અનેરી સંવેદનશીલતા
લોકડાઉનમાં સખાવતને અસર પડતા જિલ્લાની ત્રણ ગૌશાળાના ૬૮૮ પશુઓ માટે અનુદાન ફાળવવામાં આવ્યું
લોકડાઉનના સમયગાળામાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા ૧૭૧ કેસમાં સ્થળ ઉપર જઇને પશુની સારવાર કરવામાં આવી
લોકડાઉનમાં સમયમાં માત્ર નાગરિકો જ નહીં પણ પશુમાત્રને કોઇ તકલીફ ના પડે એની ખેવના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાખી છે. ખાસ કરીને કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લાગું કરવામાં આવેલા લોકડાઉનના સમયગાળામાં ગૌશાળાઓને કોઇ તકલીફના પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ અનુદાનનું પ્રાવધાન કરવામાં આવતા દાહોદ જિલ્લાની ત્રણ ગૌશાળાને રૂ. પ.૧૬ લાખ ફાળવવામાં આવ્યા છે.
પાલતું અને દૂધાળા પશુઓ આપણા સહજીવનનો એક ભાગ છે. વિશેષતઃ ગૌવંશ ખેતી કરતા ગ્રામીણ લોકોની આધારશીલા સમાન છે. તેના સંવર્ધન અને સંરક્ષણ માટે રાજ્ય સરકારે અનેકવાર પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેવી જ એક આ લોકડાઉનના સમયગાળામાં પણ જોવા મળી છે. મુખ્યમંત્રીશ્રીએ આ લોકડાઉનમાં ગૌશાળાને પશુદીઠ રૂ. ૨૫નું અનુદાન આપવાની જાહેરાત કરતા તેનો લાભ દાહોદ જિલ્લાની ત્રણ ગૌશાળાને મળ્યો છે.
સામાન્ય રીતે જીવદયા સાથે સંકળાયેલી આ ગૌશાળાનો આર્થિક આધારસ્તંભ સખાવત હોય છે. પણ, લોકડાઉનમાં સખાવતી કાર્યો ઉપર અસર પડી છે. સખાવત ઓછી મળવાના કારણે કેટલીક ગૌશાળાનું સંચાલન અને નિભાવણી મુશ્કેલ થઇ હતી. આ બાબત સરકારને ધ્યાને આવતા ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. ગૌચર વિકાસ નિગમના મારફત આ ગ્રાંટ અપાઇ છે. આ પૂર્વે પણ વખતોવખત રાજ્ય સરકાર દ્વારા નિગમ મારફત ગૌશાળાઓને મદદ કરવામાં આવી છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, જિલ્લાની ત્રણ ગૌશાળાને રૂ. ૫.૧૬ લાખનું અનુદાન ફાળવવામાં આવ્યું છે. તેમાં દાહોદ અનાજ મહાજન ગૌશાળાને ૫૪૦ પશુઓ માટે પ્રતિ પશુ દીઠ રૂ. ૨૫ એક દિવસ માટે, એમ ત્રીસ દિવસ માટે કુલ રૂ. ૪,૦૫,૦૦૦, ઝાલોદની યતિનચંદ્ર જયંત સાર્વજનિક ગૌશાળાને ૭૭ પશુઓ માટે રૂ. ૫૭,૭૫૦ અને દેવગઢ બારિયાની કામધેનુ ગૌશાળાને ૭૧ પશુઓ માટે રૂ. ૫૩,૨૫૦ ફાળવવામાં આવ્યા છે.
દાહોદ અનાજ મહાજન ગૌશાળાના વડા શ્રી ભરતભાઇ શાહે આપત્તિના આ સમયગાળા દરમિયાન પશુઓની ખેવના કરવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર પણ માન્યો છે.
માત્ર ગૌવંશ જ નહીં, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ લોકડાઉનમાં અન્ય પશુઓની પણ દરકાર લેવામાં આવી છે. ૧૦૮ની જેમ જ કરુણા એમ્બ્યુલન્સ પણ લોકડાઉનના સમયગાળામાં સતત કાર્યરત રહી છે. આ એમ્બ્યુલન્સ દ્વારા કરવામાં આવેલી સેવાની વિગતો જોઇએ તો ગત્ત ૧૫ માર્ચથી માસાંત સુધીમાં ૮૪ કોલ પૈકી ૭૦ પશુઓની સ્થળ ઉપર જઇ અને ૧૪ને ફોન ઉપર, એપ્રિલ માસમાં ૯૭ કોલ પૈકી ૬૮ સ્થળ ઉપર અને મે માસમાં અત્યાર સુધી ૪૦ કોલમાંથી ૩૩ સ્થળ ઉપર જઇને સેવા આપવામાં આવી છે.