રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સમગ્ર ગુજરાતમાં કોરોનાં કહેર ચાલી રહ્યો છે એવામાં જનજીવન ઠપ થઈ ગયું છે. લોકોને ખૂબ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને એમાંય મધ્યમ અને ગરીબી રેખા નીચે આવતાં મજૂર વર્ગની હાલત તો સાવ કફોડી બની ગઈ છે. આર્થિક રીતે મજૂરો અને ગરીબોની કમર તોડી નાખે એવી કારમી મોંઘવારીમાં ગરીબ અને મજૂર વર્ગને ખાવા પીવાની તકલીફનો સામનો કરવો પડી રહ્યોં છે એમાંય લોકડાઉનમાં પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ થઈ છે. એવામાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો અને લોકો સામે આવી રહ્યા જે આપણાં ભારત દેશ અને ગુજરાતની અસ્મિતા સમાન છે.
વાત અહીં વિરમગામ, દેત્રોજ અને માંડલ મંથકમાં ચાલતાં નવસર્જન ટ્રસ્ટની છે. હાલ શ્રમિક પરિવારો, વિધવા, ત્યકતા, નિરાધાર, પરિવારો રોજગારી વંચિત અને સામાન્ય અને ગરીબને નાત જાતના ભેદભાવ વિના લોકોના માનવ અધિકારોના રક્ષણ માટે બધાં જ ક્ષેત્રે ન્યાય મળી રહે તેવા હેતુથી આ ટ્રસ્ટ કાર્યરત છે. અને માનવતાની એક ઉત્તમ મિસાલ સમગ્ર પંથકમાં ઉભી કરી છે. ટ્રસ્ટના સતત જાગૃત અને માનવ સેવા માટે હંમેશા તત્પર રહેતા અને પોતાની સેવાથી સમગ્ર વિસ્તારમાં માનવ સેવાની ધૂણી ધખાવીને બેઠેલાં વિરમગામનાં કિરીટભાઈ રાઠોડે પોતાની સેવાની સુગંધ ચોતરફ ફેલાવી છે. કિરીટભાઈ રાઠોડ અનુસૂચિત જાતિમાં જન્મ્યાં હોવાથી એ સમાજનું દુઃખ એમણે નજીકથી જોયું છે. સમાજ ઉપર થતાં અન્યાય, અત્યાચાર થતાં રહ્યાં છે અને સવર્ણો દ્વારા આ સમાજ ઉપર આભડછેટ જેવી પ્રથા લાદી દેવામાં આવી છે જેના કારણે અનુસૂચિત સમાજને હંમેશા શોષણ અને અન્યાયનો સામનો કરવો પડ્યો છે. આ બધું જોયું અને એટલે જ આજીવન એ સમાજના ઉત્થાન માટે ખર્ચવું એ એમનો જીવન મંત્ર બની ગયો છે. તેથી અનુસૂચિત સમાજ ઉપર ગુજરાતમાં ગમે ત્યાં અત્યાચાર કે અન્યાયની ઘટના તેમના ધ્યાને આવે કે તેઓ શક્ય તો તરત ત્યાં પહોચી જાય છે. અને પીડિત પરિવારની મુલાકાત લઈ કાયદાકીય રીતે પરિવારને ન્યાય અપાવવાની હૈયાં ધારણ આપે છે અને તે પરિવારને ન્યાય મળે તે માટે સતત પ્રયત્નશીલ પણ રહે છે. આજ સુધીમાં કેટલાય પીડિત પરિવારોને કિરીટભાઈ રાઠોડે કાયદાનો સહારો લઈ ન્યાય અપાવી ચુક્યા છે. એટલું જ નહીં પીડિત પરિવારને આર્થિક અને સામાજિક બંને રીતે હર સંભવ મદદ પણ કરે છે. જો પીડીત પરિવારને ન્યાય ન મળે તો સ્થાનિક પોલીસ તંત્ર અને સરકારી તંત્ર સામે લાલ આંખ કરી બાયો પણ ચડાવે છે. સમાજ સેવા પ્રેત્યેની આ ધગશ, નિષ્ઠા અને શક્તિથી અંજાઈને પોલીસ તંત્ર, સરકારી તંત્ર પણ ઘણી વાર એમની સામે લાચાર પડી જાય છે. કેમ કે તેઓ હમેંશા સત્યની પડખે રહ્યાં છે અને તેથી ત્યાં સ્થાનિક લોકોમાં પણ ખૂબ લોક ચાહના મેળવી છે. તેઓએ ગુજરાતમાં “દલિત અધિકાર મંચ” સંગઠનની સ્થાપના પણ કરી છે અને તેઓ દલિત અધિકાર મંચના ગુજરાતના સંયોજક તરીકે કાર્યરત રહી સંગઠન મજબૂત બનાવવાનું કાર્ય કરી રહ્યા છે અને નવસર્જન ટ્રસ્ટમાં પણ તેવો સામાજિક કાર્યકર તરીકે ઉમદા કામગીરી બજાવી રહ્યાં છે. હાલ જ્યારે કોરોનાં એ મજૂર અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક રીતે કમર થોડી નાખી છે એવામાં કિરીટભાઈ રાઠોડ અને એમનાં નવસર્જન ટ્રસ્ટે જરૂરીયાત વાળા અને મજૂરી કરી પોતાનું પેટીયું રડતા હોય એવા પરિવારોને જમવાની અને જરૂર હોય તો રહેવાની સુવિધા પણ પુરી પાડે છે. એમણે અત્યાર સુધીમાં કેટલાય નિસહાય પરિવારોને મદદ કરી છે છેલ્લા બે મહીનાથી તેઓ પોતાના ટ્રસ્ટની અને સરકારી તંત્રની મદદથી પરપ્રાંતીય મજૂરોને જમવાની, રહેવાની અને તે મજૂરોને પોતાના વતન મોકલવા માટે ખૂબ જહેમત ઉઠાવી રહ્યાં છે. તેમજ સરકાર દ્વારા મળતું અનાજ દરેક પરિવારને મળે અને લોકોને મુશ્કેલીમાં તંત્રના સંકલનમાં રહીને અનેક લોકોને મદદરૂપ થયા છે. જે કાબિલે દાદ છે. તેમના નવસર્જન ટ્રસ્ટે હાલના સમયમાં શ્રમિક પરિવારોને એક કિટ 600 રૂપિયાની એવી 300 થી વધુ કિટોનું શહેર અને ગામડાઓમાં વિતરણ કરવાનું સરાહનીય કાર્ય પૂર્ણ કર્યું છે. સલામ છે આવા સમાજ સેવકને જેઓએ પોતાનું વતન વિરમગામને કર્મ ભૂમિ બનાવીને વતનની સાથે સાથે સમગ્ર અનુસૂચિત જાતિનું ગૌરવ વધાર્યું છે.