ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા, દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં સવારે જ આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગ ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ઇએનટી વિભાગમાં ACમાં લાગી હતી. જેનાથી આખા રૂમનું વાયરિંગ સળગતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગથી હોસ્પિટલ સ્ટાફમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, શોર્ટ સર્કિટને કારણે AC બ્લાસ્ટ થયું હતું અને બાદમાં વિકરાળ આગ લાગી હતી. બનાવને લઈ સ્થાનિક ફાયર બ્રિગેડ અને દાંડિયા બજાર ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લેતા તંત્રએ હાશકારો લીધો હતો. આ આગ રાત્રિના સમયે લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
દર્દીઓને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા
મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલમાં વહેલી સવારે ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી હોવાનો કોલ ફાયરને મળ્યો હતો. આ વિભાગની આસપાસ આવેલા વોર્ડના દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તેઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. ફાયર એન્ડ ઇમર્જન્સીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબૂ મેળવી લીધી હતો.
ઘટનાને લઈ તપાસ કરીશું: RMO, સયાજી હોસ્પિટલ
આ અંગે સયાજી હોસ્પિટલના RMO ડી.કે. હેલૈયાએ જણાવ્યુ હતું કે, વહેલી સવારે આ આગનો બનાવ બન્યો હતો. જેમાં અમારે ત્યાં ફાયરના સાધનો લગાવેલા છે. આગ લાગે તે પહેલાં જ કામગીરી કરી દેવામાં આવી છે. સવારનો બનાવ હોવાથી કોઈ દર્દીઓ હાજર ન હતા કે મેડિકલ સ્ટાફ પણ હાજર ન હતો. આ અંગે અમે તપાસ કરીશું.