અંકુર ઋષિ : રાજપીપળા
પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2019 માં નવરા ગામના આરોપી જીતેન્દ્રભાઈ હસમુખભાઈ પટેલ નાઓએ, નર્મદા જિલ્લા ના પ્રતાપનગર ખાતેની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાંથી રૂપિયા ચાર લાખની લોન લીધેલ હતી. ત્યારે બેંક દ્વારા વારંવાર ઉઘરાણી કરવામાં આવતા આરોપીએ બેંકને 29-12-2021 નો ચેક આપેલ પરંતુ ચેક માં લખેલ તારીખે બેંકમાં ચેક જમા કરાવતા ખાતા મા પૈસા નથી ના શેરા સાથે ચેક બાઉન્સ થયો હતો.
આથી બેંક દ્વારા આરોપીને એડવોકેટ જે કે પંડ્યા મારફતે નોટિસ મોકલી હતી અને દિન 15માં નાણા જમા કરાવી દેવા માટે જણાવેલ તેમ છતાં નોટિસનો કોઈ જવાબ ન આપતા ફરિયાદીએ બેંક મેનેજર દ્વારા આરોપી વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ હતી જે અંગે કોર્ટે નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ગુનો દાખલ કરી કેસ ચલાવવામાં આવેલ હતો ત્યારે ફરિયાદી પક્ષે એડવોકેટ જે.કે પંડ્યા દવારા દલીલો કરાઈ હતી.
સદર કેસ નર્મદા ની ડિસ્ટ્રીક કોર્ટમાં ચાલી જતા પુરાવાઓ અને એડવોકેટ જે.કે પંડ્યા ની ધારદાર દલીલોને અંતે નામદાર કોર્ટે આરોપી જીતેન્દ્રભાઈ હસમુખભાઈ પટેલ રહે.નાવરા તા.નાંદોદ જી. નર્મદાનાઓ ને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ અને રૂપિયા ચાર લાખ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરતા, બેંક પાસે થી લોન લઈ પરત નહિ કરતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો પ્રકાશ મા આવ્યો છે.