રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
લોકડાઉન દરમિયાન દીવ-ઘોઘલામાં દરરોજ શાક માર્કેટ ખુલ્લી રહેતી. તાજેતરમાં એક સપ્તાહ પહેલા દીવ નજીક ગુજરાતના દેલવાડાના આજુબાજુમાં કોરોના પોઝીટીવ કેસ આવતા દીવ પ્રશાસને સાવચેતી રૂપે દેલવાડાના શાકભાજી વિક્રેતાઓને દીવમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
જેથી રાતોરાત શાકબકાલાના વિક્રેતાઓ ઘટી જતાં અને તેમાં પણ પ્રશાસને શાકમાર્કેટ સપ્તાહમાં ત્રણ જ દિવસ ખોલવાનો આદેશ કરતા શાકભાજી, ફ્રુટ મોંઘા થતાં દીવ જિલ્લામાં દેકારો મચાયો. જેની જાણ દીવ પ્રશાસનને થતાં ગઈકાલે મામલતદાર ચંદ્રહાસ વાજાએ શાકમાર્કેટની મુલાકાત લીધી અને દરેક વિક્રેતાઓને શાકભાજીના વ્યાજબી ભાવ લેવા આદેશ આપ્યો અને કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી.