- 30 કબાટ માત્ર રોકડ નોટોથી ભરાયેલાં મળી આવ્યાં.
- દેશી દારૂના બિઝનેસમાંરહેલા કોંગ્રેસના સાંસદ સાહૂના ઘરમાંથી કાળુંનાણું મળ્યું.
- બેન્કના 30થી વધુ કર્મચારી રોકડ નોટોની ગણતરી કરી રહ્યા છે.
ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય ધીરજ સાહૂના સરનામે ત્રીજે દિવસે પણ આવકવેરા વિભાગની રેડ ચાલુ રહી. રેડ દરમિયાન 30 જેટલા કબાટ ભરીને રોકડ મળી આવી છે.
કબાટોમાંથી રૂપિયા 500 અને 200ની નોટોની થપ્પીઓ મળી આવી છે. હકીકતે વીતેલા ત્રણ દિવસથી ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિસામાં આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહૂના સરનામે આ કાર્યવાહી ચાલી રહી છે. તપાસ એજન્સીને અત્યારસુધીમાં રૂપિયા 210 કરોડ રોકડા મળી ચૂક્યા છે. કાર્યવાહી હજી ચાલી રહી છે.
બેન્કના 30થી વધુ કર્મચારી રોકડ નોટોની ગણતરી કરી રહ્યા છે. નોટ ગણવા આઠથી વધુ મશીનોનો ઉપયોગ થઇ રહ્યો છે. નોટો ભરેલી અંદાજે 150 બેગ બોલાંગીરની એસબીઆઇ શાખાએ પહોંચી ચૂકી છે. એટલા પ્રમાણમાં રોકડ મળી આવી છે કે હૈદરાબાદ અને ભૂવનેશ્નરથી મશીન નોટ ગણવા મંગાવવા પડયાં છે.
હકીકતે શરાબ બિઝનેસ સાથે સંકળાયેલા કંપની સમૂહોમાં ટેક્સ ચોરીની આશંકા સાથે તપાસ શરૂ થઇ હતી. ધીરજ સાહૂનું કુટુંબ શરાબ બિઝનેસ સાથે સંકળાયેલું છે. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ બૌદ્ધ ડિસ્ટીલરી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલા સરનામે તપાસ ચાલી રહી છે. આ કંપની ધીરજ સાહૂના પરિવારની કંપની છે. ઓડિસામાં તેઓ શરાબ ઉત્પાદનની અનેક ફેક્ટરી ધરાવે છે.
ધીરજપ્રસાદ સાહૂની જાહેર કરેલી સંપત્તિની વાત કરવામાં આવે તો વર્ષ 2018ની ચૂંટણી સમયે દાખલ કરેલા સોગંદનામામાં તેમણે રૂપિયા 34 કરોડની સંપત્તિ જાહેર કરી હતી.