બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ગુરુવારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા અમદાવાદના શાંતિગ્રામ સ્થિત અદાણી ગ્રૂપના ગ્લોબલ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. બેઠક બાદ ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને રિન્યુએબલ, ગ્રીન હાઇડ્રોજન અને ન્યૂ એનર્જી પર ફોકસ કરીને જળવાયું પરિવર્તન તથા ટકાઉ વિકાસ ક્ષેત્રે બ્રિટન સાથે સહકાર સાધવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે ડિફેન્સ અને એરોસ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે બ્રિટિશ કંપનીઓની સાથે મળીને કામ કરવાની પણ જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અદાણી અને જ્હોન્સને એનર્જી, ક્લાઇમેટ એક્શન, એરોસ્પેસ તથા ડિફેન્સને લઈને વિશદ ચર્ચા કરી હતી. અદાણી અને જ્હોન્સન વચ્ચેની બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રે સહકારનો મુદ્દો ચર્ચાયો હતો. ગૌતમ અદાણીએ 28 જૂને લંડનમાં યોજાનાર ઇન્ડિયા-યુકે ક્લાઇમેટ સાયન્સ એન્ડ ટેકનોલોજી સમિટમાં ભાગ લેવા બ્રિટિશ પીએમને આમંત્રણ આપ્યું હતું. ગત વર્ષે ઓક્ટોબરમાં લંડન ખાતે આ સમિટી યોજાઈ હતી.