અમરેલી જિલ્લામાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય મેળો યોજાયો હતો. અહી દરેક તાલુકામાં અરજદારોને યુનિક કાર્ડ અને આયુષ્માન કાર્ડ કાઢી અપાયા હતા. ઉપરાંત લોકોના આરોગ્યની ચકાસણી પણ કરાઈ હતી. અમરેલીમાં રામજી મંદિર પાસે આરોગ્ય મેળો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અમરેલીના તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર.કે. સિંહાએ જણાવ્યું હતું કે આજે અમરેલીમાં રામજી મંદિર પાસે આરોગ્ય મેળાનો સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય સમિતિના ચેરમેન જીતુભાઈ ડેરની ઉપસ્થિતિમાં આરંભ કરાયો હતો. અહી સિવીલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલના તબીબોએ લોકોના ડાયાબીટીસ, બી.પી અને સગર્ભાના આરોગ્યની ચકાસણી કરી હતી. સાથે સાથે અહી વિનામૂલ્યે લેબાેરેટરી પણ કરી અપાઈ હતી. બી.પી અને ડાયાબીટીના રોગો ઘટાડવા માટે યોગાની જરૂર છે. જેના માટે પણ આયોજન કરાયું છે. તેમજ યુનિક કાર્ડ અને આયુષ્યમાન ભારતના કાર્ડ કાઢી આપવાની કામગીરી કરવામાં આવી હતી. સોનોગ્રાફી પણ કરી અપાઈ હતી. ઉપરાંત જિલ્લાના દરેક તાલુકામાં આજે આરોગ્ય મેળો યોજાયો હતો. લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લાભરમાં અરજદારોએ યુનિક કાર્ડ અને આયુષ્માન ભારત કાર્ડનો લાભ લીધો હતો.