વડાપ્રધાનના આગમનને પગલે ગાંધીનગરમાં ઠેરઠેર ભાજપ અને ગુજરાતના સરકારના વિવિધ વિભાગોના બેનર્સ લગાવવામાં આવ્યા છે ત્યારે શહેરમાં અનેક સ્થળે નાગરિકો ફૂટપાથ પર ચાલી પણ ન શકે તે રીતે બેનર્સ લગાવાયા છે સાથે જ બેનર્સ લગાવવા ફૂટપાથને પણ નુકસાન કરાયું છે. ત્યારે આ મુદ્દે આપના કોર્પોરેટર તુષાર પરીખે મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલને લેખિત રજૂઆત કરી છે. જેમાં રજૂઆત કરાઈ છે કે છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં પ્રચાર અર્થે લગાવવામાં આવતા બેનર્સમાં કોઈ જાતની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. ગાંધીનગર મંદિરથી ખ-5 સુધી ઓછામાં ઓછા 15 બેનર્સ મારવામાં આવ્યા છે, જે સિનિયર સિટીઝન તથા વસાહતીઓને નડતરરૂપ છે. બેનર્સ મારવા માટે પેવરબ્લોક તોડવામાં આવ્યા છે, જેથી બેનર્સ કાઢતાં જ આ જગ્યાઓ પર ખાડા રહી જશે. જેથી તાત્કાલિક ધોરણે તેને રીપેર કરાવવા માટે માંગણી કરાઈ છે.આ સાથે તુષાર પરીખે કોર્પોરેશન હસ્તકની જાહેર મિલકતો પર કમળના ભીંત ચિત્રો દોરવા સામે પણ રજૂઆત કરી છે. સામાન્ય રીતે જાહેર સંપતિ પર કોઈપણ પ્રકારના લખાણો લખવા, પોસ્ટર, પોસ્ટર્સ કે જાહેરાત લગાવવા સામે પ્રતિબંધ છે. ત્યારે હાલના સમયે જાહેર સંપતિઓ પર ભાજપના સિમ્બોલ જોવા મળે છે. ત્યારે નિયમ મુજબ તેમાં દંડ કરવાની માંગણી કરાઈ છે.