જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ શાળાના ધોરણ-8માં અભ્યાસ કરતા 4993માંથી 4753 વિદ્યાર્થીએ એમએમએસની પરીક્ષા આપી છે. જ્યારે પરીક્ષામાં જિલ્લાના 240 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. નિયત મેરીટ સાથે પાસ વિદ્યાર્થીઓને ધોરણ-9થી 12 સુધી અભ્યાસ માટે વાર્ષિક રૂપિયા 12000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ પણ શિક્ષણથી વંચિત રહે નહી તે માટે એમએમએસ યોજના અંતર્ગત પરીક્ષા લઇને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના ધોરણ-8માં અભ્યાસ કરતા અને વાર્ષિક દોઢ લાખની આવક ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના શરૂ કરી છે. તેમાં રાજ્યમાંથી 5097 વિદ્યાર્થીઓની પસંદગી કરવાની હોવાથી દર વર્ષે ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે એનએમએસ પરીક્ષા લેવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્યભરમાંથી 189237 વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 180521 વિદ્યાર્થીઓએ રવિવાર એનએમએસની પરીક્ષા આપી હતી. પરીક્ષામાં નિયમોનુસાર મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને વાર્ષિક રૂપિયા 12000 મુજબ ધોરણ-9થી 12ના અભ્યાસ માટે કુલ 48000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જિલ્લાના ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન શાંતિપૂર્ણ માહોલમાં કરાયુ હતું. તેમાં સેક્ટર-7ની સરકારી શાળામાં નેશનલ મિન્સ સ્કોલરશીપની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત પરીક્ષાનો માહોલ કેવો છે સહિતના પાસાનો અભ્યાસ કરવા રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ ડો.પી.એ.જલુએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ભરત વઢેરે પરીક્ષાના આયોજન અંગેની જાણકારી આપી હતી.