ગાંધીનગરમાં એક સમયે તમામ માળખાકીય સુવિધાઓનું સંચાલન, જાળવણી અને નવીનીકરણ પાટનગર યોજના વિભાગની જવાબદારી હતાં. પરંતુ હવે ૪૩૯ કિલોમીટર લંબાઇ ધરાવતા શહેરના આંતરિક માર્ગો સત્તાવાર મહાપાલિકાને સોંપી દેવાયા છે. જોકે નગરની ઓળખ અને આબરૃ સમાન કથી જ રોડ અને માર્ગ નંબર ૧થી ૭ સરકાર હસ્તક જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીધા ૭ અને આડા ૭ માર્ગ મહાનગર પાલિકાને સોપવામાં આવશે નહીં. પાટનગરની સ્થાપના થયા બાદ અને તમામ ૩૦ સેક્ટર સંપૂર્ણ વિકસી ગયાની સાથે સેક્ટર વિસ્તાર અને નગરમાં સમાવવામાં આવેલા ન્યુક્લિયસ વિલેજીસ સહિતના વિસ્તારમાં કુલ મળીને ૫૧૦ કિલોમીટર લંબાઇનું રોડ નેટવર્ક પ્રસ્થાપિત કરવામાં આવ્યુ હતું. તેમાં ૭૦ કિલોમીટરની લંબાઇ ધરાવતા ૧૪ મુખ્ય માર્ગ ઉપરાંત ૪૩૯ કિલોમીટરની લંબાઇ ધરાવતા નગરની અંદરના માર્ગોનો સમાવેશ થાય છે. આ તમામ માર્ગના નવીનીકરણ અને જાળવણી અત્યાર સુધી પાટનગર યોજના વિભાગ દ્વારા કરાતી હતી. પરંતુ હવે મુખ્ય માર્ગને બાદ કરતાં તમામ આંતરિક માર્ગ મહાનગર પાલિકા હસ્તક મુકી દેવાયા છે. વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે તમામ આંતરિક માર્ગનું રીસર્ફેસિંગ કરવામાં આવ્યું તેને લાંબો સમય પસાર થઇ ગયો છે. પરિણામે તાજેતરમાં જ આંતરિક માર્ગોને નવેસરથી ડામર કાર્પેટ કરવા અને જરૃર હોય ત્યાં મજબુતીકરણ કરવા માટે દરખાસ્ત તૈયાર કરીને મંજુરી માટે સરકારમાં મોકલવામાં આવી હતી. પરંતુ તેની મંજુરી સંબંધિ પ્રક્રિયા પુરી થયાં પહેલા આ માર્ગો મહાનગર પાલિકાને સોપવા નિર્ણય લેવાઇ ગયો હોવાથી હવે નવીનીકરણની કામગીરી પાટનગર યોજના વિભાગે કરવાની રહેતી નથી. ભૂતકાળમાં મહાનગર પાલિકા દ્વારા માર્ગના નવીનીકરણની કામગીરી માટે પાટનગર યોજના વિભાગને નાણાં ચૂકવીને કામ કરાવાયુ હતું. હવે તે પ્રકારે કામ કરી અપાશે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું કે તેવી સ્થિતિમાં સરકારનું માર્ગદર્શન માગવામાં આવશે.