વઢવાણ શહેરનાં નવાદરવાજા બહાર કોળીવાસમાં અંદાજે 100 વર્ષથી જૂનો મોરારજીનો કુંડ જર્જરિત તેમજ ગંદકીયુક્ત બનતા દર્શનાર્થે આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે. આ કુંડની જાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે. કારણ કે આ કુંડમાંથી 43 વર્ષ પહેલા આજુબાજુ વિસ્તારના લોકો પાણી લઇને તેનો ઉપયોગ કરતા હતા. વઢવાણ નવાદરવાજા બહાર કોળીવાસમાં 100થી વધુ વર્ષ જૂનો મોરારજીનો કુંડ તેમજ હનુમાનજીની જગ્યા આવેલી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કુંડ જર્જરિત સાથે કુંડમાં લીલની લીલીજાજમ બીછાઇ જતાં ભક્તોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ કુંડના પથ્થરો ચારેય બાજુથી ખખડધજ થવાથી આ જગ્યાએ દર શનિવાર સાથે દરરોજ મંદિર તેમજ કુંડના દર્શનાર્થે લોકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ કુંડમાંથી 43 વર્ષ પહેલા વિસ્તારના લોકો પીવાનું તેમજ કપડા ધોવા માટે પાણી લઇને ઉપયોગ કરતા હતા. હાલ આ વિસ્તારમાં 500થી વધુ રહીશ રહે છે. પરંતુ કુંડમાં પાણી હોવા છતા બિનઉપયોગી બન્યો છે. આ અંગે મંદિરના પૂજારી નટુદાસ અનુદાસ, કરશનભાઈ, વાલજીભાઈ વગેરે જણાવ્યું કે, જર્જરિત તેમજ લીલવાળુ પાણી હોવાથી આ વિસ્તારના નાના બાળકો પણ અવારનવાર ન્હાવા પડે છે. આથી જવાબદાર તંત્ર દ્વારા આ મોરારજીના કુંડની સંભાળ લઇને કુંડની આગળ દિવાલ ગેટ બનાવી બારણુ મોકવામાં અને કુંડ ફરતી પણ સુરક્ષારૂપી દિવાલ કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે. વર્ષો પહેલા આ કુંડ પાણી માટેનો મહત્વનો સ્ત્રોત હતો. આ કુંડમાં મીઠુ પાણી આવતું હોવાથી લોકો તેનો પીવામાં પણ ઉપયોગ કરતા હતા. અમે નાના હતા ત્યારે આ કુંડમાં ખુબ જ સ્નાન કરવાની સાથે તેનુ પાણી પણ પીવા માટે ઘેર લઇ જતા તેમ રહીશોએ જણાવ્યું હતું.