રિપોર્ટર: રણજીતસિંહ રાણા,વિરમગામ
માંડલ ગામ એ ઐતિહાસિક ગામ અને આઝાદી સમયનું સાક્ષી… માંડલ ગામ રાજાઓ વખતનું ગામ છે. માંડલ ગામમાં કિલ્લો,કિલ્લાની દીવાલ,કોટ,ટોડલા અને દરવાજા જે આજે પણ ઇતિહાસની સાક્ષી પૂરે છે. માંડલ ગામના મુખ્ય બે પ્રવેશદ્વાર હતાં જેમાં એક દરવાજો માંડલ ગામના ચબૂતરા ચોકથી બજાર તરફ જવાના રસ્તે આવેલ છે અને બીજો દરવાજો જે ગ્રામ પંચાયત કચેરીની બહાર આવેલ છે જે દરવાજો ગઢનો દરવાજો તરીકે ઓળખાય છે પણ હમણાં તાજેતરમાં ત્રણ સપ્તાહ પહેલા આ દરવાજાની છત તૂટી જતાં તેને તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવી હતી. અને દરવાજો પણ જર્જરિત હાલતમાં થઈ ગયો છે. માંડલનો ચબૂતરા ચોકવાળો દરવાજો જે પણ જર્જરિત હાલતમાં થઈ ગયો હતો પણ તે સ્થાનિક પંચાયત દ્વારા રિપરિંગ કરાવવામાં આવ્યો હતો. જોકે આવી ઐતિહાસિક અને પુરાતન ઈમારતો કે એવી મિલકતો જેની દેખરેખ રાજ્યનું પુરાતત્વ ખાતું સંભાળતું હોય છે. પણ પુરાતત્વ અને સરકાર મ્યુઝિયમ કે હિલ વાળી જગ્યાએ અથવા મોટા શહેરોમાં જેમાંથી આવક ઉભી થઈ શકે તેમ હોય તેવી મિલ્કતોની સારસંભાળ લે છે પણ આવા ગામડાઓમાં આવેલી વિરાસતોની કોઈ કિંમત રહી નથી. માંડલના આ ગઢના કિલ્લા પરથી ગ્રામ પંચાયત દ્વારા ૨૬ જાન્યુઆરી અને ૧૫ મી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય દિવસે ધ્વજ ફરકાવવામાં આવતો હતો પણ હવે આ છત તૂટી પડતાં આ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાય તેમ પણ નથી માટે સ્થાનિક તંત્રએ આ કિલ્લાને તાકીદે રિપેરિંગ કરાવવાની જરૂર છે.