સૂર્ય પ્રકાશથી ઉત્પન થતી વીજળીમાં ભાવનગર સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા સ્થાને છે. ભાવનગર જિલ્લામાં ઘર વપરાશ માટે અત્યાર સુધીમાં ૧૦,૯૧૧ ઘરની છત-અગાશીઓમાં સોલાર રૂફટોપ પેનેલ લગાવવામાં આવી છે. ઘરોમાં લાગેલી સોલાર સિસ્ટમથી ૩૭.૪૬૪ મેગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન થઈ રહ્યું છે. સમય સાથે વીજળીનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. મુખ્યત્વે કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીને કારણે પર્યાવરણને નુકશાન થાય છે. જેથી સરકારે રાજ્યમાં ગ્રીન એનર્જી ઉત્પન ઉપર વધુ ભાર મુક્યો છે. આ માટે સરકારે સૌર રૂફટોપ યોજના અમલમાં મુકી છે. આ યોજના શરૂ થઈ ત્યારથી લઈ ભાવનગર જિલ્લામાં ૧૦,૯૧૧ ઘર વપરાશ માટે સોલાર સિસ્ટમ છત, અગાશીઓમાં લગાવાઈ હોવાનું પીજીવીસીએલમાં સત્તાવાર રીતે નોંધાયું છે. આ અંગે સત્તાવાર સૂત્રોએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલના ઔદ્યોગિક ક્રાંતિના સમયમાં ઊર્જાની ખપત અને જરૂરિયાત વધી છે. જેથી તેને પહોંચી વળવા સૌર ઊર્જા એક સરળ વિકલ્પ હોય, જિલ્લાના લોકોમાં પણ સૌર ઊર્જા પ્રત્યે જાગૃતિ આવી છે. જેના કારણે આજે જિલ્લામાં ૩૭.૪૬૪ મેગાવોટનું સૌર ઊર્જા ઉત્પાન્ન થઈ રહી છે. ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં જોઈએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ પ્રથમ સ્થાને છે, જ્યારે ભાવનગર બીજા અને જામનગર ત્રીજા સ્થાને છે. ભાવનગર અને જામનગર જિલ્લામાં એકંદરે એક સરખા પ્રમાણમાં સૌર ઊર્જા ઉત્પન્ન થતી હોવાથી બન્ને જિલ્લા વચ્ચે બીજા-ત્રીજા સ્થાનની હરીફાઈ સતત શરૂ રહે છે.
Home > Saurashtra > Bhavnagar > ગ્રીન એનર્જી ઉત્પન્નમાં ભાવનગર બીજા સ્થાને, 10,911 ઘરમાં સોલાર સિસ્ટમ.