વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તારીખ 1 એપ્રિલથી સાત નવા વહીવટી વોર્ડની રચના કરવામાં આવી છે. જેના લીધે હવે કુલ વહીવટી વોર્ડ બારથી વધીને 19 થયા છે. જેની સામે વડોદરા કોર્પોરેશનમાં ફૂડ સેફટી ઓફિસરની સંખ્યા માત્ર 8 જ છે. વડોદરાની વસ્તી આશરે 22 લાખ છે અને ફૂડ સેફ્ટી એક્ટ મુજબ દર એક લાખની વસ્તીએ એક ફૂડ સેફટી ઓફિસર હોવો જોઈએ, એટલે કે 22 ફૂડ સેફટી ઓફિસરની જરૂર છે. જ્યારે વહીવટી વોર્ડ મુજબ ગણતરી કરીએ તો એક વોર્ડ દીઠ એક ફૂડ સેફટી ઓફિસર હોવો જોઈએ, તેના બદલે હાલ માત્ર આઠથી જ ગાડુ ગબડાવવામાં આવે છે. આમ, અપૂરતા ફૂડ સેફટી ઓફિસર હોવાના કારણે દુકાન ચેકિંગની કામગીરી સરખા પ્રમાણમાં સંતોષકારક થઈ શકતી નથી. ખરેખર તો એક વર્ષમાં એક દુકાનનું ચેકિંગ થવું જોઈએ, પરંતુ સ્ટાફ ઓછો હોવાને કારણે કાર્ય થઈ શકતું નથી. હાલ કોર્પોરેશન પાસે માત્ર આઠ જ ફૂડ સેફટી ઓફિસર છે, એટલે કે 11 ઓફિસરોની ઘટ છે. જોકે મહેકમ 15 ઓફિસરનું મંજૂર થયેલું છે .જેમાંથી ચાર માટે તો જરૂરી પ્રક્રિયા પણ થઈ ગઈ છે, એટલે કે માત્ર પરીક્ષા લઇને ઇન્ટરવ્યૂ ગોઠવીને નવાની પસંદગી થઈ શકે. જો આ ચાર લેવાય તો ઓફિસરોની સંખ્યા 12 થાય. કોર્પોરેશનમાં જ્યારે 12 વહીવટી વોર્ડ હતા તે મુજબ ફૂડ સેફટી ઓફિસરોને લેવાનું વિચાર્યું હતું. 15 ઓફિસર નું મહેકમ મંજૂર થયેલું હોય તો હવે નવા વહીવટી વોર્ડ વધતાં બીજા ચારનું પણ મંજૂર કરી દેવું જોઈએ અને એ રીતે ઓફિસરોની નિમણૂક આપી દેવી જોઈએ જેથી 19 વહીવટી વોર્ડ સામે 19 ઓફિસરનું પ્રમાણ જળવાઈ રહે. આટલું કરવા છતાં પણ 22 લાખની વસ્તીની સરખામણીએ ફૂડ સેફટી ઓફિસરની સંખ્યા તો ઓછી જ રહેવાની છે.