ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે કારડીયા રાજપુત સમાજના મોભી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની અધ્યક્ષતામાં કારડીયા રાજપુત સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. જેમાં 100 કરોડના ખર્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં નિર્માણ થનાર માં ભવાની માતાજીના ભવ્ય મંદિર બનાવવાના રૂપરેખા અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કરાયો હતો.આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્યમાં કારડીયા રાજપુત સમાજના તમામ પરીવારના લોકો યથાશકિત મુજબ આર્થીક સહયોગ આપે તે માટે આગેવાનો દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને કારડીયા રાજપુત સમાજના મોભી વજુભાઇ વાળા ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. ત્યારે સુત્રાપાડા ખાતે ગુજરાત કારડીયા રાજપુત સમાજનાં પ્રમુખ અને પૂર્વ કેબીનેટ મંત્રી જશા બારડના નિવાસસ્થાને સમાજની મહત્વની બેઠક મોભી વજુભાઇની અઘ્યક્ષતામાં મળી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ.100 કરોડના ખર્ચે ‘માં ભવાની માતાજી‘ નું ભવ્ય મંદિર બનાવવાની રૂપરેખા બાબતે સમાજના આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મંદિરના નિર્માણ માટે કરવા પડતા જરૂરી દરેક કાર્યો કારડીયા રાજપુત સમાજના લોકો સંગઠીત થઇને કરશે તેવું નકકી કરાયુ હતું. આ મંદિર પાછળ માતબર રકમનો ખર્ચ થનાર હોવાથી સમાજના તમામ વર્ગના લોકો પોતાની યથાશકિત મુજબ આર્થીક સહયોગ આપે તેવી સમાજના તમામ આગેવાનોએ અપીલ કરી હતી. આ મહત્વની બેઠકમાં ગુજરાત કારડીયા રાજપુત સમાજનાં પ્રમુખ અને પૂર્વમંત્રી જશા બારડ, પૂર્વ સાંસદ દિનુ સોલંકી, પૂર્વમંત્રી લક્ષ્મણ પરમાર, સંઘના પ્રમુખ લક્ષ્મણ યાદવ, APMC ચેરમેન દિલીપ બારડ, પૂર્વ જી.પં.પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, જી.પં.સભ્ય રાજવીરસિંહ ઝાલા, માનસિંગ ડોડીયા, દિલીપ ઝાલા, હમીર ડોડીયા, દાનસિંગ પરમાર, સંજય ડોડીયા, વાલ પરમાર, બાબ પરમાર સહિત મોટી સંખ્યામાં સમાજના મુખ્ય આગેવાનો હાજર રહ્યા હતા. સૌ કોઇએ માં ભવાની માતાજીનું ભવ્ય મંદિર સમાજના તમામ વર્ગના લોકો માટે ઉપયોગી બને તેવા વિચારો રજુ કર્યા હતા.
Home > Saurashtra > Gir - Somnath > સુરેન્દ્રનગરમાં નિર્માણ થનાર માં ભવાની માતાજીના ભવ્ય મંદિરને લઈ સુત્રાપાડામાં રાજપુત સમાજના આગેવાનોની બેઠક મળી.