કોરોનામાં મંદ પડેલા લખતરના બજરંગપુરા ગામમાં હાથશાળ કળાને સંજીવનીની જરૂર.

Latest Surendranagar

લખતર તાલુકાના બજરંગપુરા ગામે હાલના સમયમાં અમુક ઘરોમાં હાથશાળ થકી ખાદી બનાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોના વચ્ચે આવી જતા છેલ્લા 2 વર્ષથી આ કામમાં ભારે મંદી આવી ગઈ હોવાથી કામ કરતા લોકોને ગુજરાન ચલાવું મુશ્કેલ બની ગયું હોય તેવો ઘાટ સર્જાયેલો છે. તો તેઓને ઉપરથી આવતો કાચો માલ પણ ઓછો આવતાં જીવન નિર્વાહમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે આ મંદ પડી ગયેલ આ કળાને કોઈ સંજીવનીની જરૂર હોય તેવું જાણવા મળ્યું છે.સરકાર દ્વારા ગાંધી જયંતિના અવસરે તેમજ અન્ય કોઈ સમયે જ ખાદીને પ્રાધાન્ય આપવામાં આવે છે. પરંતુ આ ખાદી જ્યાંથી તૈયાર થતી હોય તેવા કારીગરો સામે સરકારની નજર ઓછી હોય તેવો ઘાટ લખતર તાલુકાના બજરંગપુરા ગામમાં સર્જાયો છે. હાલનાં સમયમાં મશીનરીનો જમાનો છે. તમામ કામ મશીન ઉપર તરત થઈ જાય છે. તેવામાં ખાદી બનાવવા માટે હાથશાળ કળાનો ઉપયોગ થાય છે. ત્યારે આ કલાનું કામ કરતા કારીગરોને કોરોનાનાં કારણે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર કોરોનાકાળ પહેલાં કામ માટે દર મહિને તેનો કાચો માલ અંદાજે સોએક કિલો જેવો મળતો હતો. જેથી કારીગરો કામ કરીને મહિનામાં સારી એવી કમાણી કરી શકતા હતા. પરંતુ કોરોના કાળમાં ખાદીની નિકાસ ઘટતાં હાલમાં કાચો માલ માત્ર ત્રીસેક કિલો અને તે પણ 2-3 મહિનામાં એકવાર મળે છે. અમે લગભગ સોએક વર્ષથી આ કામગીરી કરી રહ્યા છીએ. પહેલાં પૂરતો માલ મળતા કાપડ તૈયાર કરી આપીએ એટલે તરત બીજું કાપડ તૈયાર કરવાનો કાચો માલ મળી રહેતો હતો. પરંતુ હમણાં કાપડ તૈયાર કરીને આપ્યા પછી બે એક મહિના સુધી કાચો માલ ન મળતાં થોડા દિવસ કામ મૂકી ખેતમજૂરીએ જવું પડે છે. સરકાર યોગ્ય કરી લાભ આપે તેવી માગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *