વેસ્ટર્ન રેલવે દ્વારા કોરોના મહામારી દરમિયાન નવા કોન્સેપ્ટ પર કામ કરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું છે. પેસેન્જર ટ્રેનની આવક બંધ થતા રેલવે દ્વારા બિઝનેસ ડેવલોપમેન્ટ યુનિટની સ્થાપના કરી રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા જતો માલ સામાન ટ્રેન દ્વારા હેરફેર કરવા માટે કવાયત હાથ ધરી હતી. વેસ્ટર્ન રેલવેને માલસામાનની હેરફેર દ્વારા નાણાકીય વર્ષ 21-22 દરમિયાન રૂપિયા 2429 કરોડની આવક થઇ છે. જેમાં 87.91 મેટ્રિક ટન સામાન હેરફેર કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર માટેનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે દેશના મોટા વેપારી સંગઠનો દ્વારા રેલવેનો ઉપયોગ સામાન માટે મહત્તમ કક્ષાએ કરવામાં આવે તે માટે રેલવેના અધિકારીઓ દ્વારા સંસ્થાઓની પ્રત્યક્ષ મુલાકાત લઇ તેમને ઉત્સાહિત કરવામાં આવી રહ્યા છે. વેસ્ટર્ન રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ માર્ચ 2021થી એપ્રિલ 2022 દરમિયાન અત્યાર સુધીની સૌથી વધારે આવક કન્ટેનર ટ્રાફિક દ્વારા મેળવવામાં આવી છે. રેલવે દ્વારા સામાન હેરફેર કર્યાની યાદી જોઈએ તો મીઠું, લોખંડ, કન્ટેનર, વાહનો અને સિમેન્ટની હેરફેર સૌથી વધુ કરવામાં આવી છે અને તેના દ્વારા જ આ આવક ઊભી કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન ઓક્સિજન ટેન્કરની હેરફેરમાં પણ રેલવેનો સિંહ ફાળો રહ્યો હતો. ત્યારે ટ્રાન્સ્પોર્ટેશન દ્વારા જ રેલવેએ કરોડો રૂપિયાની આવક કરતાં તંત્રને મોટી રાહત મળી છે.