પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બરવાળા તાલુકાના સાળંગપુરધામ ખાતે આવેલ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરે આગામી તા.૧૬ એપ્રિલે હનુમાન જયંતિની પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે. તેને અનુલક્ષીને હનુમંત મંત્ર અને બીજમંત્ર અનુષ્ઠાનનો શુભારંભ કરાયો છે. સ્વામિનારાયણ મંદિર, વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજયંતિના પવિત્ર પ્રસંગે કોઠારી સ્વામીના માર્ગદર્શન તળે શનિવારથી હનુમંત મંત્ર એવં બીજમંત્ર અનુષ્ઠાનનો વડતાલથી પધારેલ સત્સંગ મહાસભાના પ્રમુખ, સંતગણના સાનિધ્યમાં ૧૦ બ્રાહ્મણો દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે.આ અનુષ્ઠાન આગામી તા.૧૬.૪ ને શનિવાર સુધી શરૂ રહેશે. શારીરિક અને મનની શાંતિ માટે અને હનુમાનજીદાદાને રાજી કરવા માટેના આ અનુષ્ઠાનની સેવામાં હરિભકતો જોડાયા છે. સાથોસાથ શનિવાર નિમીત્તે દાદાને મોગરો, શેવંતી અને ગુલાબ વ. ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેનો દિવસ દરમિયાન હજજારો ભકતોએ ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ લાભ લઈને ધન્યતાની અનુભૂતિ કરી હતી.