ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓએ રાજ્ય સરકારના વલણ સામે નારાજગી દર્શાવતા મહત્વપૂર્ણ માંગ કરી છે. એસટી નિગમ કર્મચારી મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, હવે દિવસે ને દિવસે ડીઝલના ભાવ વધી રહ્યા છે, તેવામાં નિગમની બસોમાં ભાડું પણ વધારવામાં આવે. મંડળે રજુઆત કરી છે કે, વર્ષ 2014માં GSRTCએ રાજ્ય સરકારના કહેવાથી બસનું ભાડું ઘટાડવામાં આવ્યું હતું. તે સમયે પેસેન્જર ટેક્સ 17.5 હતો જે ઘટાડીને 7.5 કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે ડીઝલનો ભાવ 57 રૂપિયા હતો, જોકે હવે ડીઝલના ભાવ રૂપિયા 100 સુધી પહોંચ્યા છે. જેથી નિગમને મોટાપાયે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ નિગમે રાજ્ય સરકાર પાસે રૂપિયા 1700 કરોડની સબસિડી નીકળવાની રહે છે. જે રકમ એસટી નિગમને ચૂકવી આપવામાં આવે તેવી માંગ કરી છે. આ ઉપરાંત એ પણ શંકા વ્યક્ત કરવામાં આવી છેકે,જો એસટી બસના ભાડામાં વધારો ન કરવામાં આવે તો આવનાર દિવસોમાં વધુ નુકસાન થઈ શકે છે. જેથી કર્મચારી મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે કે, નિગમ દ્વારા ભાડુ વધારા માટેની દરખાસ્ત રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવે અને તે રાજ્ય સરકાર મંજૂર કરે. દિવસના દિવસે મોંઘવારી વધી રહી છે. ગુજરાતના એસટી બસ સ્ટેન્ડ પર ખર્ચ પણ વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિમાં નિગમની બસોનું સંચાલન કરવું પડકારજનક બાબત છે. કર્મચારી મહામંડળ દ્વારા એ પણ વાત કરવામાં આવી છેકે, દેશના અલગ-અલગ રાજ્યમાં તેમના પરિવહન નિગમને રાજ્ય સરકાર સાથે સીધી રીતે ભેળવી દેવામાં આવ્યા છે. જેમાં પંજાબ, હરિયાણા, સિક્કિમ મિઝોરમ, અંદમાન નિકોબાર જેવા રાજયોનો સમાવેશ થાય છે. જ્યારે નિગમના કર્મચારીઓને મળવા પાત્ર લાભો અંગે માંગણી કરવામાં આવે છે ત્યારે તેમની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે, જેથી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ લાવવામાં આવે તેવી પણ માંગ કરી છે.