ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ દિવસે તમાકુની 3100 બોરીની આવક થઈ હતી. જેને લઈ બજારમાં તેજીના એંધાણ જોવા મળી રહ્યા છે. ઉનાવા APMCમાં તમાકુની ચાલનારી ત્રણેક મહિનાની સીઝનમાં આજે તમાકુની પત્તીની 2800 બોરી તેમજ હલકી ક્વોલિટી ગાળીયા ટાઇપની 3100 બોરીની આવક સાથે વેપારીની અવર જવર વધી છે. સારી ક્વોલિટીના ભાવો 1300 થી 1900 રૂપિયા પ્રતિમણે અને ગળીયાના 850 થી1200 સુધીની રેન્જમાં વેપાર થયો છે. ઉત્તર ગુજરાતના સેન્ટરોમાંથી મોટે ભાગે તમાકુની આવકના શ્રી ગણેશ થયા છે. લગભગ ગત વર્ષની જેવા જ પ્રતિ મણના 1500 થી 1650 સુધીના ભાવોએ નવી સિઝનની શરૂઆત થઈ ગઈ છે. ગત વર્ષ તમાકુની સરેરાશ 18 થી 20 લાખ બોરી ઉત્પાદન રહ્યું હતું. જેમાં આ વર્ષે દશેક ટકાના વધારાની ગણતરી વેપારી વર્ગની છે. હાલમાં ગરમીનો પ્રકોપ વધવાથી તમાકુના પાકને નુકસાન પણ થઈ રહ્યુ છે. સિઝનની શરૂઆતમાં બોરી માલ કેરી ફોરવર્ડ થયાની ગણતરી સાથે આ વર્ષ બજારમાં તેજી પકડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.